ગવર્નર નિયુક્ત વિધાનસભ્યોની અરજી અંગે કોઇ નિર્ણય નથી લેવાતો
આગામી સુનાવણી ૭મી ડિસેમ્બર પર મોકૂફ
મુંબઈ: ગવર્નર નિયુક્ત વિધાનસભ્ય પ્રકરણની અરજી પરની સુનાવણી હવે ૭મી ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી છે. એમવીએએ જે યાદી મોકલાવી હતી એ શિંદે સરકારે પાછી ખેંચી છે. તેના પર ઠાકરે જૂથ વતી એક અરજી કરવામાં આવી હતી. સતત સમય પસાર કરવાની ગવર્નરની કામગીરી નિયમમાં બેસતી ન હોવાનો આક્ષેપ આ સમયે કરવામાં આવ્યો હતો.
એમવીએ સરકારે ૬ ડિસેમ્બર, ૨૦૨૦માં તત્કાલીન ગવર્નર ભગતસિંહ કોશ્યારીને ૧૨ વિધાનસભ્યના નામની યાદી મોકલાવી હતી. આ યાદી પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શિંદે સરકાર દ્વારા પાછી ખેંચવામાં આવી હતી. જોકે આ નિર્ણય ગેરકાયદે છે, તેને કારણે એક તરફ એમવીએએ આપેલી યાદી અનુસાર વિધાનસભ્યની નિયુક્તિ કરવી, નહીં તો આ યાદી પાછી ખેંચવી હોય તો તેનું સવિસ્તર કારણ આપવું, એવી માગણી અરજીમાં કરવામાં આવી હતી. આ માટે શિવસેના ઠાકરે જૂથના કોલ્હાપુર શહેર પ્રમુખ સુનીલ મોદીએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
રાજ્યમાં સત્તા બદલાયા બાદ આ અંગે એક જુદી જ અરજી દાખલ થઇ હતી. ગવર્નરે મુખ્ય પ્રધાનના કહેવા પર અગાઉની યાદી પાછી મોકલાવી હતી. ગવર્નરની આ કામગીરી નિયમમાં બેસતી નથી, એવું કહીને કોર્ટમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ નિર્ણયને સ્ટે આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં ગવર્નર નિયુક્ત વિધાનસભ્યોની યાદી બાબતે કોઇ પણ પ્રકારનો નિર્ણય લઇ શકાયો નથી. રાજ્યમાં એમવીએ સરકાર સત્તામાં આવ્યા બાદ તત્કાલીન ગવર્નર ભગતસિંહ કોશિયારીને ૧૨ સભ્યની યાદી મોકલાવી હતી. જોકે ગવર્નર તરફથી આ યાદીને ન તો લીલી ઝંડી આપવામાં આવી હતી કે ન મંજૂર કરવાનું કોઇ કથન કરવામાં આવ્યું હતું. આ પ્રકરણે રાજ્ય સરકારે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવ્યા બાદ ગવર્નરે કોઇ પણ નિર્ણય લીધો નહોતો. ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપતાં જ ૧૨ વિધાનસભ્યોના મુદ્દે ગવર્નરને ટોણો માર્યો હતો.