‘અમારા પર ભગવાનની કૃપા છે….’, કેન્દ્રીય નેતાના મહત્વના બોલ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપ અહીં કોઇ જોખમ લેવા માગતી નથી. ભાજપે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને મોટી જવાબદારી સોંપી છે. ગડકરીની સાથે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને લોકસભા ચૂંટણીમાં હારેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેને વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવામાં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પણ રાજ્યની રાજનીતિમાં સક્રિય થવા માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને વિનંતી કરી હતી, જેને ગડકરીએ સ્વીકારી લીધી છે. તેઓ રાજ્યની રાજનીતિમાં આવવા તૈયાર છે.
ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 100 થી વધુ પ્રચાર સભાઓ અને રોડ શો કરશે. ગડકરીએ કહ્યું છે કે ભાજપને ચૂંટણીમાં સફળતા મળશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માટે ભગવાન પાસે કંઈ માંગવાની જરૂર નથી, ભગવાન અમારાથી ખુશ છે. લોકસભાની ચૂંટણીમાં ગડકરીએ દેશભરમાં 90થી વધારે પ્રચાર સભા અને રોડ શો કર્યા હતા. હવે મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં પણ તેઓ આ જ રીતે પ્રચાર સભા અને રોડ શો ગજાવશે.
નીતિન ગડકરી રાજ્યમાં લગભગ એક મહિના સુધી પ્રચાર કરશે. ગડકરી મોટા ગજાના નેતા છે. તેઓ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રથી દિલ્હી સુધી લોકો તેમને માન આપે છે. તેથી નીતિન ગડકરી ભાજપને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર કરશે, એમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું હતું.