Nitin Gadkariએ કોને લાત મારવાની વાત કરી?

મુંબઈઃ દેશમાં જાતિવાદને લઈને થઈ રહેલાં રાજકારણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી (Cabinet Minister Nitin Gadkari) ગુસ્સે ભરાયા છે અને એક કાર્યક્રમમાં તેમણે આ બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદનું રાજકારણ રમાઈ રહ્યું છે. હું કોઈ જાત-પાતને નથી માનતો. જે કરશે જાતની વાત, એને મારીશ કચકચાવીને લાત…
ગડકરીએ પોતાના નિવેદનમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે મારા મતદાર ક્ષેત્રમાં 40 ટકા મુસલમાન લોકો છે અને મેં એમને પહેલાંથી જ કહી રાખ્યું છે કે હું આરએસએસવાળો છું, હું હાફ ચડ્ડીવાળો છું… કોઈને વોટ આપતાં પહેલાં વિચારી લેજો, પાછળથી પસ્તાવવાનો વારો ના આવે. જે વોટ આપશે, એનું કામ હું કરીશ અને જે નહીં આપે એનું કામ પણ હું કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે. 26મી નવેમ્બરના વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની 288 જેટલી બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ગયા વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. જોકે, ચૂંટણી બાદ શિવસેનાએ ભાજપ સાથેની યુતિ તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.