ભારત કરશે લિથિયમ બેટરીની નિકાસ, ગડકરીએ કહ્યું કે ‘ડ્રેગન’ની નિર્ભરતા ઘટશે…
મુંબઈઃ વિશ્વના તમામ દેશો હવે ધીમે ધીમે તેમના પરિવહનને ઇલેક્ટ્રિક વાહનો તરફ વાળી રહ્યા છે અને ભારત પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આમાં લિથિયમ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, જે નોન-ફેરસ મેટલ છે, જેનો ઉપયોગ મોબાઈલ-લેપટોપ સહિતના ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જેબલ બેટરી બનાવવા માટે થાય છે. અત્યાર સુધીમાં ચીન પર નિર્ભરતા હતી, પરંતુ ભારતમાં તેનું ચિત્ર બદલાવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો : ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ફેઈલ જશે! 50% થી વધુ ભારતીય EV માલિકો અસંતુષ્ટ
અગાઉ અન્ય રાષ્ટ્રો પર ભારત નિર્ભર હતો, પરંતુ હવે આ ક્ષેત્રે ‘કિંગ’ બનવા જઈ રહ્યો છે. મંગળવારે સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સની ૬૪મી કોન્ફરન્સમાં બોલતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં લિથિયમ આયન બેટરીની નિકાસ કરશે. તેમણે કહ્યું કે દેશમાં ઈવી વૃદ્ધિના આંકડા પ્રોત્સાહક છે. જો આ ગતિએ ચાલુ રહેશે તો વર્ષ ૨૦૩૦ સુધીમાં ઇલેક્ટ્રિક વાહનનું માર્કેટમાં ૧ કરોડનું રેકોર્ડ વેચાણ થશે અને ઇલેક્ટ્રિક વાહનોનું ફાઇનાન્સ માર્કેટ વધીને ૫ લાખ કરોડ રૂપિયા થઈ જશે.
ગયા અઠવાડિયાની એક ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે લિથિયમ-આયન બેટરીની કિંમત, જે પ્રતિ કિલોવોટ પ્રતિ કલાકે $ ૧૫૦ હતી, હવે તે ઘટીને $ ૧૦૭-૧૦૮ કિલોવોટ પ્રતિ કલાક પર આવી ગઈ છે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પાંચ કંપનીઓએ લિથિયમ-આયન બેટરીનું ઉત્પાદન શરૂ કર્યું છે અને આગામી થોડા વર્ષોમાં તેની કિંમત ઘટીને $૯૦ પ્રતિ કિલોવોટ પ્રતિ કલાક થઈ જશે.