ભાષણ આપતી વખતે નીતિન ગડકરી બેભાન થયા
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કા માટે મહારાષ્ટ્રમાં જોરદાર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ ઠેરઠેર પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. જોકે, યવતમાળમાં પ્રચાર સભાને સંબોધતી વખતે ગડકરી અચાનક બેભાન થઇ જતા ત્યાં હાજર મહાયુતિના નેતાઓ ચિંતિત થઇ ગયા હતા તથા તેમને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયા હતા. હાલ મહારાષ્ટ્રમાં રાજકારણ અને તાપમાન બંનેનો માહોલ ગરમ છે અને ગરમી અને તાપના કારણે પણ ગડકરીની તબિયત ખરાબ થઇ હોવાનું
કહેવાય છે.
યવતમાળમાં એક સભાને સંબોધતા ગડકરી ભાષણ આપી રહ્યા હતા અને અચાનક જ તેમની તબિયત બગડી હતી અને તે સ્ટેજ પર બેભાન થઇ ગયા હતા. એ દરમિયાન સ્ટેજ પર હાજર લોકોએ તેમને સંભાળ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગડકરી મહાયુતિમાં ભાજપ તરફથી નાગપુર બેઠકના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પહેલા તબક્કામાં જ મતદાન થઇ ગયું છે અને અહીં તેમના હરીફ કૉંગ્રેસના અમિત ઠાકરે સાથે છે. જોકે, પોતાની બેઠક માટે મતદાન થઇ ગયું હોવા છતાં ગડકરી મહાયુતિના અન્ય ઉમેદવારો માટે પ્રચાર રેલીમાં ભાગ લઇ રહ્યા છે અને સાથી ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે.
આ પહેલા પણ ગડકરીની તબિયત લથડતા તે સ્ટેજ ઉપર બેભાન થઇ ગયા હોવાની ઘટના બની હતી. ૨૦૧૮માં અહમદનગર ખાતે લોકોને સંબોધતા સમયે તેમને ચક્કર આવી જતા તે બેભાન થઇ ગયા હતા. એ વખતે તે વખતના મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા અને તેમણે ગડકરીને સંભાળ્યા હતા. એ વખતે શુગર લેવલ ઘટી જવાના કારણે તેમને ચક્કર આવ્યા હોવાનું જણાતા તેમને તરજ જ પાણી પીવડાવવામાં આવ્યું હતું અને પેંડો ખવડાવવામાં આવ્યો હતો, જ્યારબાદ તેમની હાલત સુધરી હતી. ગડકરીની તબિયત તે પહેલા પણ એક વખત ખરાબ થઇ હતી. ગડકરી પોતાનું વજન ઓછું કરવા માટે ઓપરેશન પણ કરાવી ચૂક્યા છે.