આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘સરકાર પોતાનું કામ કરશે, તમે તમારું કરો’: ઔરંગઝેબની કબર તોડવાની હાકલ વચ્ચે નિતેશ રાણેની હિન્દુત્વવાદી સંગઠનોને હાકલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મોગલ સમ્રાટ ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે વિવિધ સંગઠનો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ સોમવારે બાબરી મસ્જિદ તોડી પાડવાનો ઉલ્લેખ કરતાં હિન્દુત્વવાદી સંગઠનોને તેમની ફરજ બજાવવા કહ્યું હતું અને સરકાર પોતાની જવાબદારીઓ નિભાવશે, એવી જાહેરાત કરી હતી.

વિવાદિત ટિપ્પણીઓ કરવા માટે જાણીતા રાણેએ છત્રપતિ શિવાજી મહારાજને ‘ધર્મનિરપેક્ષ રાજા’ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસોની પણ નિંદા કરી.

‘સરકાર પોતાનું કામ કરશે જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ પોતાનું કામ કરવું જોઈએ. જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી રહી હતી, ત્યારે અમે એકબીજા સાથે બેસીને વાતો કરી ન હતી. અમારા કારસેવકોએ જે યોગ્ય હતું તે કર્યું હતું,’ એમ રાણેએ કહ્યું હતું.

તેઓ પુણે જિલ્લામાં શિવાજી મહારાજના જન્મસ્થળ, શિવનેરી કિલ્લામાં તેમની જન્મજયંતિ નિમિત્તે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.

રાણેએ શિવાજી મહારાજને ‘ધર્મનિરપેક્ષ રાજા’ તરીકે દર્શાવવાના પ્રયાસોની પણ નિંદા કરી હતી.

‘આપણે સતત ભાર મૂકવો જોઈએ કે શિવાજી મહારાજ હિંદવી સ્વરાજ્યના સ્થાપક હતા. આ ઓળખ વારંવાર પુનરાવર્તિત થવી જોઈએ જેથી અમુક જૂથો દ્વારા તેમને ધર્મનિરપેક્ષ રાજા તરીકે દર્શાવવાના પ્રયાસોને (આપણે) શિવાજી મહારાજના સાચા ભક્તો તરીકે નિષ્ફળ બનાવવા જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.

રાણેએ પુનરોચ્ચાર કર્યો કે શિવાજી મહારાજની સેનામાં ક્યારેય મુસ્લિમ સૈનિકો નહોતા.

‘એવું નથી કે ફક્ત થોડા લોકો ઇતિહાસ સમજે છે જ્યારે બાકીના નથી સમજતા. આપણી પાસે પણ જ્ઞાનવાન સ્ત્રોતો છે જે આપણને માર્ગદર્શન આપે છે.’

‘બ્રિટીશોએ પણ મારા રાજાને હિન્દુ સેનાપતિ તરીકે ઓળખાવ્યા હતા. જ્યારે આદિલ શાહે અફઝલ ખાનને શિવાજી મહારાજને મારવા મોકલ્યો, ત્યારે તે સમયે જારી કરાયેલા હુકમનામામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે શિવાજી મહારાજના શાસનકાળ દરમિયાન ઇસ્લામનો ફેલાવો અવરોધાયો હતો. આ ઐતિહાસિક રેકોર્ડ હવે પ્રકાશમાં આવી રહ્યા છે, ભાજપ નેતાએ ઉમેર્યું.

આ પણ વાંચો…ઔરંગઝેબની કબરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો, સલમાનના બોડીગાર્ડની એન્ટ્રીને કારણે આશ્ચર્ય!

રાણેએ કહ્યું હતું કે જો તક મળે તો તેઓ વિધાનસભામાં શિવાજી મહારાજની સેનામાં કોઈ મુસ્લિમ સૈનિકો નહોતા એવા પોતાના વલણનું પુનરાવર્તન કરશે.

‘આપણે આપણા રાજાના ઇતિહાસનું વિકૃત સંસ્કરણ ફેલાવવા દઈ શકીએ નહીં,’ એમ તેમણે કહ્યું હતું.

રાણેના મતે, શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ પર આધારિત હિન્દી ફિલ્મ છાવા દ્વારા સાચો ઇતિહાસ ભવિષ્યની પેઢીઓને પહોંચાડવામાં આવી રહ્યો છે.

‘ઔરંગઝેબની માગ કરી હતી કે સંભાજી મહારાજ (શિવાજી મહારાજના પુત્ર) ઇસ્લામ ધર્મ સ્વીકારે. જે લોકો દલીલ કરે છે કે તેમની લડાઈ (પિતા-પુત્રની જોડી દ્વારા) ઇસ્લામ વિરુદ્ધ નહોતી, તેઓ આને કેવી રીતે સમજાવે છે? જો તે ધર્મ માટે લડાઈ ન હતી તો તે કેવા પ્રકારનું યુદ્ધ હતું?’ એમ તેમણે પૂછ્યું હતું.

રાણેએ કહ્યું હતું કે ઔરંગઝેબની સમાધિ અંગે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલું આહ્વાન મહત્વપૂર્ણ છે.
‘આ એક મહત્વપૂર્ણ દિવસ છે. પ્રધાન તરીકે હું ખુલ્લેઆમ જેટલું કહી શકું તેની મર્યાદાઓ છે, પરંતુ તમે બધા મારા વિચારો જાણો છો. આજે હું પ્રધાન છું, કાલે કદાચ નહીં હોઉં, પણ મારા છેલ્લ શ્ર્વાસ સુધી હું હિન્દુ રહીશ, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button