શું ભાજપ પાકિસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે? નિતેશ રાણેના નિવેદનથી ધમાલ મચી ગઈ…
નિતેશ રાણે ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેમણે કેરળને મીની પાકિસ્તાન કહીને વિવાદ ઉભો કર્યો અને કહ્યું કે ‘બધા આતંકવાદીઓ ગાંધી પરિવારને મત આપે છે.’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા નિતેશ રાણેએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાનને ‘હિંદુ રાષ્ટ્ર’ બનાવવા માગે છે. મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ ખાતાના પ્રધાન રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ નિવેદન આપ્યું હતું. પોતાની પોસ્ટમાં, તેમણે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના આરોપનો જવાબ આપ્યો જેમાં રાઉતે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવવા માગે છે.
તમારી મર્યાદામાં રહો
નિતેશ રાણેએ લખ્યું હતું કે, ‘પરંતુ અમે પાકિસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગીએ છીએ. આ વાત ધ્યાનમાં રાખો અને તમારી મર્યાદામાં રહો.’ પ્રધાનનું આ નિવેદન શિવસેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’માં પ્રકાશિત થયેલા રાઉતના તાજેતરના સાપ્તાહિક લેખના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે, જેમાં તેમણે ભાજપ પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો અને ભારતને ‘હિંદુ પાકિસ્તાન’ બનાવવા તરફ લઈ જવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા રાણેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવવાની માગણી કરી હતી. તેમણે કેરળને ‘મીની પાકિસ્તાન’ પણ કહ્યું હતું.
નિતેશ રાણેના કેટલાક વિવાદાસ્પદ નિવેદનો
નિતેશ રાણે ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેમણે કેરળને મીની પાકિસ્તાન કહીને અને ‘બધા આતંકવાદીઓ ગાંધી પરિવારને મત આપે છે’ કહીને વિવાદ ઉભો કર્યો હતો. રાણેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન અને વાયનાડ લોકસભા બેઠકના સભ્ય પ્રિયંકા ગાંધી વાડ્રા પર હુમલો કરતી વખતે આ આરોપ લગાવ્યો હતો. પુણે જિલ્લાના પુરંદર તાલુકામાં એક રેલીને સંબોધતા ભાજપના નેતા નિતેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે, ‘કેરળ ‘મીની પાકિસ્તાન’ છે. આતંકવાદીઓએ (પહેલા) રાહુલ ગાંધીને મત આપ્યો હતો અને હવે તેમણે તેમની બહેન પ્રિયંકા ગાંધીને મત આપ્યો છે.’ તેમના નિવેદન પર ઘણો રાજકીય હોબાળો થયો હતો.
નિતેશ રાણેએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે મુસ્લિમો છત્રપતિ શિવાજી મહારાજની સેનાનો ભાગ નહોતા. તેમના આ નિવેદન પર રાજકીય ક્ષેત્રે ભારે હોબાળો થયો હતો. જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા પવારને રાણેની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે નેતાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના દ્વારા જાહેરમાં આપવામાં આવેલા નિવેદનોથી સાંપ્રદાયિક તણાવ ન સર્જાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘કેટલાક નેતાઓ ક્યારેક એવા નિવેદનો આપે છે જે મહારાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે હાનિકારક છે.
પવારે કહ્યું કે સાર્વભૌમ રાજ્યની સ્થાપના કરતી વખતે, શિવાજી મહારાજે ક્યારેય જાતિ કે સંપ્રદાયના આધારે કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે, ‘નેતાઓ, ભલે સરકારમાં હોય કે વિપક્ષમાં, તેમણે નિવેદનો આપતી વખતે સાવચેત રહેવું જોઈએ જેથી સાંપ્રદાયિક વિવાદ ન સર્જાય.’ ગયા વર્ષે, નવી મુંબઈમાં ગણપતિ કાર્યક્રમમાં ભાષણ દરમિયાન લઘુમતી સમુદાયને નિશાન બનાવવા બદલ નિતેશ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે સંકલ્પ ઘરાત નામની સંસ્થાએ જરૂરી પરવાનગી વિના ઉલવેમાં સાત દિવસના ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું હતું અને રાણે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, 11 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ દરમિયાન, રાણેએ પોતાના ભાષણમાં કથિત રીતે લઘુમતી સમુદાયને નિશાન બનાવ્યો હતો અને લોકોને ઉશ્કેર્યા હતા. રાણે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.