નિતેશ રાણેએ ક્યા વિપક્ષી નેતાને પેંગ્વિન ગણાવીને લખ્યું, ઉદ્ધવજી અને પેંગ્વિનને જય શ્રી રામ…

મહારાષ્ટ્રની 29 મહાનગર પાલિકાઓના પરિણામો જાહેર થઈ રહ્યા છે અને એમાં ભાજપ અને મહાયુતિએ 26 નગર પાલિકાઓમાં ભવ્ય વિજય મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકામાં પણ 99 બેઠકો સાથે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. આ જિત બાદ રાજકીય નિવેદનબાજી અને આરોપ-પ્રત્યારોપની રમત તેજ બની ગઈ છે, જેમાં ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર આકરા પ્રહારો કરતાં તિખી પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્ર મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. મુંબઈની 227 બેઠકોમાંથી કોઈપણ પક્ષ 114ના બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યો નથી, પરંતુ 99 બેઠકો જીતીને ભાજપે મુંબઈમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. બીજી બાજું, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના ઠાકરે જૂથને માત્ર 63 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે.
उद्धवजी आणि पेंग्विन ला
— Nitesh Rane (@NiteshNRane) January 16, 2026
जय श्री राम pic.twitter.com/HCz2aSp43y
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ભાજપના વિધાન સભ્ય નિતેશ રાણેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ જોરશોરથી હસતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું હતું તે ઉદ્ધવજી અને પેંગ્વિન (આદિત્ય ઠાકરે)ને… જય શ્રી રામ! આ વીડિયો દ્વારા તેમણે ઠાકરે પરિવારની હાર પર કટાક્ષ કર્યો છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન નિતેશ રાણેએ અત્યંત તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. નિતેશ રાણેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રવીન્દ્ર ચવ્હાણના નેતૃત્વમાં હવે તમામ મહાનગરપાલિકાઓમાં મહાયુતિના મેયર બેસશે, એમાં કોઈ શંકા નથી.
નિતેશ રાણેએ ઠાકરે બંધુઓના ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા. રાણેએ જણાવ્યું હતું કે બંને ઠાકરે બંધુઓ જે રીતે સાથે આવ્યા છે, એ રીતે જ તેમણે હવે ઈસ્લામાબાદની ફ્લાઈટ પકડીને પાકિસ્તાન જઈ રહેવું જોઈએ અને ત્યાં જઈને અલ્લાહુ અકબરના નારા લગાવવા જોઈએ.
તેમણે આ જીતને ‘જેહાદી’ માનસિકતા સામેનો વિજય ગણાવતા મતદારોનો આભાર માન્યો હતો. જોકે, ભાજપ 99 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ છે, પરંતુ ભાજપને બહુમતિ માટે હજુ પણ અપક્ષો અને અન્ય પક્ષોના ટેકાની જરૂર પડશે. શિંદે જૂથ અને ભાજપ મળીને આસાનીથી મુંબઈમાં પોતાનો મેયર બનાવી શકે તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.



