નિશિકાંત દુબેએ મુંબઈ-ગુજરાતનો ઈતિહાસ દોહરાવ્યો અને રાજ-ઠાકરે પર કર્યા પ્રહારો

મુંબઈઃ મુંબઈમાં ભાષાવિવાદ તો હિન્દી અને મરાઠીથી શરૂ થયો હતો, પરંતુ હવે દરેક રાજકીય પક્ષ તેને પોતપોતાના રંગ આપી રહ્યા છે. અગાઉ પણ આ મામલે બોલી ચૂકેલા ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એક પોડકાસ્ટમાં આ વિષય પર નિવેદનો આપ્યા છે, જે ભાષાવિવાદને ભડકાવવાનું કામ કરશે, તેમ લાગે છે.
મીરા-ભાયંદરમાં એક જાહેર સભાને સંબોધતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ દુબેને મુંબઈના સમુદ્રમાં પટક પટક કે મારેંગે, તેવું નિવેદન આપ્યું હતું. આના જવાબમાં દુબેએ પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેર પહેલા ગુજરાતનો ભાગ હતું અને ભાષાના આધારે થયેલી પુનર્રચનાને લીધે મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ બન્યો. તેમણે એમ પણ કહ્યું કે અમે મરાઠી ભાષા, મરાઠી માણસો અને છત્રપતિ શિવાજી મહારાજનો આદર કરીએ છીએ, પરંતુ મુંબઈમાં જ મરાઠી બોલનારા લોકોની સંખ્યાનું પ્રમાણ 31-32 ટકા છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રમાં ન હતું, 1956માં ભાષા અનુસાર જે રચના થઈ તેમાં મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ બન્યું. મુંબઈ-મહારાષ્ટ્રમાં મરાઠીભાષીઓની સંખ્યા 31થી 32 ટકા છે, તેટલા જ પ્રમાણમાં હિન્દીભાષી રહે છે. 12 ટકા ગુજરાતીભાષી છે અને 2 ટકા ભોજપુરી બોલનારા છે, ત્રણ ટકા તેલુગુ, 3 ટકા તમિળ, 2 ટકા રાજસ્થાન, 11થી 12 ટકા ઉર્દૂભાષી રહે છે, તેમ પણ દુબેએ જણાવ્યું હતું.
દુબેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર દેશનું અવિભાજ્ય અંગ છે, પરંતુ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને એમ લાગે છે કે મહારાષ્ટ્ર દેશનો ભાગ નથી. દેશમાં કોઈને પણ ગમે ત્યાં જવાનો, રહેવાનો, કામ કરવાનો અધિકાર છે. આખા દેશમાં મારવાડી સમાજના લોકો છે, જે રાજસ્થાનથી આવ્યા છે, કોઈ તેમને અહીં ભગાડીને લાવ્યું નથી, દેશની અર્થવ્યવસ્થામાં તેમનુ સ્થાન મોટું છે અને તેમને આદર મળે છે. તમામને પોતાની ભાષા ગમે છે અને તેના પર પ્રેમ છે. જેઓ હિન્દીને રાષ્ટ્રભાષા માનવા તૈયાર નથી, ત્યાં પણ હિન્દી બોલાય છે, તમને અંગ્રેજી ભાષા સામે વાંધો નથી, પછી દેશની ભાષાઓ સામે શું કામ પ્રશ્નો થાય છે.
તેમણે એ પણ કહ્યું કે રાજ અને ઉદ્ધવ ઠાકરે જ્યારે પણ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે બિનમરાઠીને મારે છે. દરેકને પોતાની ભાષાનું અભિમાન હોય છે, અમારી હિન્દી છે અમને હિન્દી ભાષાનું અભિમાન છે.
આપણ વાંચો: મહારષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ફડણવીસ અને આદિત્ય ઠાકરે એક જ હોટેલમાં જોવા મળ્યા
મેં જે કહ્યું હતું તેના પર હું અડગ છું. આ દેશ અનેક ભાષાઓનો છે, ઘણા લોકોનો છે. આપણી પાસે વિવિધતામાં એકતા છે. દરેકને પોતાના પ્રદેશ પર ગર્વ છે. મરાઠી ભાષાના ભવ્ય ઇતિહાસ પર કોઈ શંકા નથી. આપણે મરાઠીનું અને મહારાષ્ટ્રના લોકોનું સન્માન કરીએ છીએ. છત્રપતિ શિવાજી મહારાજને મુસ્લિમોએ દગો આપ્યો હતો, અમે (ઉત્તરપ્રદેશીઓ) નહીં. મરાઠા સામ્રાજ્યના ઘણા રાજાઓ ઉત્તર પ્રદેશમાં આવીને સ્થાયી થયા. ગોવિંદ વલ્લભ પંત મુખ્યમંત્રી બન્યા. તેઓ મરાઠી હતા. હું ગોડ્ડાથી સાંસદ છું. મારા મતવિસ્તારમાં દેવઘર નામનો એક ભાગ છે. મધુ લિમયે અહીંથી ત્રણ વખત સંસદમાં ચૂંટાયા હતા. આચાર્ય કૃપાલાણી બીજું ઉદાહરણ છે. તેઓ ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ બન્યા. બિહારીઓ આ દેશને પોતાનો માને છે. આ તેમની નબળાઈ અને તાકાત છે, તેમ પણ દુબેએ કહ્યું.