ભિવંડીમાં બળાત્કાર બાદ નવ વર્ષની બાળકીની હત્યા: નરાધમ પકડાયો

થાણે: ભિવંડીમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવા બદલ પોલીસે 42 વર્ષના નરાધમની ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ અભય યાદવ (42) તરીકે થઇ હોઇ તે ભિવંડીમાં શાંતિનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદ નગરનો રહેવાસી છે. આરોપીએ ગુરુવારે બપોરે બાળકીનું અપહરણ કર્યું હતું અને બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરી હતી.
રાહદારીઓને બાળકીનો મૃતદેહ નજરે પડતાં તેમણે તાત્કાલિક શાંતિનગર પોલીસને જાણ કરી હતી. બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી અને ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો :ભિવંડીમાં ગેરકાયદે વસવાટ કરનારા પાકિસ્તાનના બે ભાઈ વિરુદ્ધ ગુનો
દરમિયાન શાંતિનગર પોલીસે ગુરુવારે કંચન દાસ (36) નામના આરોપીની ધરપકડ કરી હતી, જેણે તેની પત્નીની હત્યા કર્યા બાદ મૃતદેહ ભવધડ ગામના કૂવામાં ફેંકી દીધો હતો.
કંચન દાસે બુધવારે તેની પત્ની લક્ષ્મી દાસ (28)ને સ્કાર્ફથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં તેણે લક્ષ્મીના પરિવારજનોને જણાવ્યું હતું કે લક્ષ્મી કોઇ સાથે ભાગી ગઇ છે. જોકે પરિવારજનોને શંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ આદરી હતી અને કંચનની પૂછપરછ કરી હતી, જેમાં તેણે ગુનો કબૂલ્યો હતો.