ભારતીય નૌકાદળે પકડેલા નવ ચાંચિયાને યલોગેટ પોલીસને હવાલે કરાયા

મુંબઈ: ભારતીય નૌકાદળે એન્ટિ પાયરસી ઑપરેશન પાર પાડીને ઇરાનિયન માછીમારી જહાજ પર અપહરણ કરાયેલા 23 પાકિસ્તાની ક્રૂ સભ્યોને મુક્ત કરાવી તાબામાં લીધેલા નવ સોમાલિયન ચાંચિયાને બુધવારે યલોગેટ પોલીસને હવાલે કરાયા હતા. પોલીસે ગુનો દાખલ કરી ચાંચિયાઓની ધરપકડ કરી હતી અને 728 કારતૂસો, એકે-47 રાઇફ તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ભારતીય નૌકાદળને 28 માર્ચે માહિતી મળી હતી કે ઇરાનિયન જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળે બાદમાં અત્યંત મુશ્કેલ અને દિલધડક એન્ટિ પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું અને 12 કલાક બાદ જહાજ પર કાબૂ મેળવીને ક્રૂના સભ્યોને ચાંચિયાઓના તાબામાંથી છોડાવ્યા હતા. ભારતીય નૌકાદળની ટીમ દ્વારા સફળતાપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નૌકાદળે આક્રમક અભિગમ અપનાવ્યા બાદ ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો : ટીવીના ‘રામ’ કરોડોની સંપત્તિના માલિકઃ મેરઠની બેઠક પર ઉમેદવારી નોંધાવતા પડી ખબર
ચાંચિયાઓને તાબામાં લેવાયા બાદ અને છ દિવસની દરિયાઇ સફર ખેડી તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ચાંચિયાઓને પછીથી મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા ચાંચિયાઓની ઓળખ જીલી જામા ફરાહ(50 વર્ષ), અહેમદ બશીર ઓમર(42 વર્ષ), અબ્દિકરીન મોહમ્મદ શીરે(34 વર્ષ), અદમ હસન વાર્મસે(44 વર્ષ), મોહમ્મદ અબ્દી અહેમદ(34 વર્ષ), અબ્દિકાદિર મોહમ્મદ અલી(28 વર્ષ), અયદીદ મોહમુદ જીમાલે(30 વર્ષ), સૈદ યાસીન અદાન(25 વર્ષ) અને જામા સૈદ ઇલ્મી(18 વર્ષ) તરીકે થઇ હતી.