મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવાયા આ મહત્ત્વના નિર્ણયો…
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ ગુરુવારે રાજ્યના પ્રધાન મંડળની મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં નવ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા અને એ ઉપરાંત અન્ય મહત્ત્વપૂર્ણ બાબતો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ખાસ કરીને લાડકી બહેન યોજનાના કારણે રાજ્ય સરકારની અન્ય યોજનાઓ પર પસ્તાળ નહીં પડે એ નિર્ણય લેવામાં આવ્યો હતો. લાડકી બહેન યોજનાના કારણે ખેડૂતોના કુટુંબને આપવામાંઆવતી સહાય બંધ કરવામાં આવશે એવા વહેતા થયેલા અહેવાલ પણ ખોટા હોવાનું સરકારે સ્પષ્ટ કર્યું હતું.
આ પણ વાંચો : લાડકી બહેન યોજનામાં ગેરરીતિ કરનારાની ખેર નથી: એકનાથ શિંદે…
મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના અંતર્ગત 1, 60,00,000 મહિલાઓને 4,787 કરોડ રૂપિયાની સહાય મોકલાવવામાં આવી હોવાની ચર્ચા પણ આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત પુણેના છત્રપતિ સંભાજીનગર ખાતે હાલના નેશનલ હાઇ-વેનું સમારકામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પશુસંવર્ધન વિભાગ ખાતાને લગતો પણ મહત્ત્વનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અમરાવતી જિલ્લામાં નવા મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય એટલે કે ફિશરી સાયન્સ કૉલેજનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
જ્યારે શેવગાવ તાલુકામાં સહકારી સુતરગરણીને આર્થિક સહાય આપવા, બિરસા મુંડા કૃષિ ક્રાંતિ યોજનામાં સુધારા, કૂવા, ખેત-તળાવો, વીજળીના જોડાણ માટે અનુદાન આપવા, આંગળવાડી કેન્દ્રોને સૌર ઊર્જાના ઉપકરણો આપી 36,000 કરતાં વધુ કેન્દ્રોને વીજ પુરવઠો પુરો પાડવા, ઔદ્યોગિક કામગાર ન્યાયાલયમાં ન્યાયિક અધિકારીઓને સુધારિત નાણા ભથ્થું આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.
બેઠકમાં પશુસંવર્ધન વિભાગ માટે મરઘીપાલન કરનારી સંસ્થાઓને ફટકારવામાં આવેલા દંડના વ્યાજની બાકી રકમ માફ કરવાનો પણ ફેંસલો લેવાયો હતો. ધારુર તાલુકામાં સુકળી ગામે વિશેષ ક્ષેત્ર તરીકે પુન: વિકસાવવાની મંજૂરી પણ બેઠકમાં આપવામાં આવી હતી. આ સિવાય હિંગોલીના સ્વતંત્ર ન્યાયિક જિલ્લો જાહેર કરવો, ગંગાપુર, પૈઠણ ખાતે જિલ્લા અતિરિક્ત ન્યાયાલય ઊભા કરવાનો તેમ જ કાટોલ, આર્વી ખાતે વરિષ્ઠ દિવાળી ન્યાયાધીશ ન્યાયાલયના નિર્માણનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.