NIAએ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 41 સ્થળો પર દરોડા પાડ્યા, કેટલાકની અટકાયત

મુંબઈ: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) ISIS આતંકવાદી ષડયંત્ર કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કે NIAની ટીમ દ્વારા આજે સવારથી અત્યાર સુધીમાં કુલ 41 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં 1 સ્થળ પર તપાસ કરી રહ્યા છે. થાણેથી કેટલાક શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ NIAના અધિકારીઓએ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પોલીસ દળો સાથે મળીને આ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ કેસ આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા ઘડવામાં આવેલા ગુનાહિત કાવતરાને લગતો છે. આરોપીઓએ અલ-કાયદા અને ISIS સહિતના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ઉગ્રવાદી વિચારધારા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આતંકવાદી ગેંગની રચના કરી હતી.
આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ ચલાવવાનું શરૂ કર્યું અને આ માટે, ધાર્મિક વર્ગો ચલાવવા ઉપરાંત, તેઓએ તેમની સાથે સમાન વિચારધારાવાળા યુવાનોને પણ સામેલ કર્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને ISISના મોટા આતંકવાદી ષડ્યંત્રનો પર્દાફાશ થયો હતો, ISISના એક ધરપકડ કરાયેલા આતંકીએ કબૂલાત કરતા ઘણા ખુલાસા કર્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં મોટા વિસ્ફોટોને અંજામ આપવાની તેમની યોજના હતી. ભારતના કેટલાક મહત્વપૂર્ણ સૈન્ય મથકો પણ ISISના નિશાના પર હતા. ભારતના મહત્વના સૈન્ય ઠેકાણાઓ પરથી લેવામાં આવેલી તસવીરો પાકિસ્તાન અને સીરિયામાં મોકલવામાં આવી હતી.