કૌન બનેગા સીએમ? બાળાસાહેબ થોરાતના નિવેદન MVAમાં બાદ CM પદ માટેની ખેંચતાણ જગજાહેર
મુંબઈ: એક બાજુ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા ત્યાર બાદ તે મુખ્ય પ્રધાન બનવા માગતા હોવાના અહેવાલો વહેતા થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના જ મુખ્ય પ્રધાન બનશે તેવું નિવેદન બાળાસાહેબ થોરાતે આપતા મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન બનવા માટેની હોડ ચાલી રહી હોવાની ચર્ચા છે.
કૉંગ્રેસ મહારાષ્ટ્રના મોટા નેતા બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે તેમને 100 ટકા વિશ્ર્વાસ છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન કૉંગ્રેસમાંથી જ બનશે. ભાયંદરમાં કોંકણના કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધતા વખતે તેમણે ઉક્ત વાત કહી હતી.
થોરાતે કહ્યું હતું કે મને 100 ટકા ખાતરી છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન મહાવિકાસ આઘાડી અને કૉંગ્રેસના બનશે. અમે આ ચૂંટણીમાં પૂરજોશમાં કામ કરીશું અને પોતાને સાબિત કરીશું.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) અને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર) આ ત્રણ મુખ્ય પક્ષ છે અને મુખ્ય પ્રધાન બનવા માટે બધા જ પક્ષના મોટા નેતા ઇચ્છુક હોવાની ચર્ચા છે.
એવામાં બાળાસાહેબ થોરાતના નિવેદનના કારણે મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન બનવા બાબતે આંતરિક કલહ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પહેલા મહાવિકાસ આઘાડીના નેતાઓ દ્વારા જે પક્ષ વધુ બેઠકો જીતશે તેના મુખ્ય પ્રધાન બનશે તેવું નિવેદન આપી ચૂક્યા છે. જોકે થોરાતના નિવેનદનને પગલે મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે હોડ શરૂ હોવાનું સ્પષ્ટ થયું છે.
નાગપુરમાં કૉંગ્રેસના દેખાવો
રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ભાજપના સાંસદ અનિલ બોંડે અને શિવસેના(શિંદે જૂથ)ના વિધાનસભ્ય સંજય ગાયકવાડની હકાલપટ્ટી કરવામાં આવે તેવી માગણી સાથે કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નાગપુરમાં દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના રાજ્યસભા સાંસદ બોંડેએ રાહુલ ગાંધીની જીભ કાપી લેવાની વાત કહી હતી. રાહુલ ગાંધીએ અનામત વિશે કહેલી વાતથી બહુજન સમાજની ભાવનાઓ દુભાઇ હોવાથી બોંડેએ રાહુલ ગાંધીની જીભ કાપી લેવાની વાત કહી હતી.