નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઇ પોલીસનો સપાટો: રૂ. 1.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન સહિત આઠ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈ પોલીસે ચાર સ્થળે કાર્યવાહી કરીને રૂ. 1.30 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ પ્રકરણે નાઇજીરિયન સહિત આઠ જણની ધરપકડ કરવામાં આવી હોઇ આ ડ્રગ્સ થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ માટે લાવવામાં આવ્યું હોવાની શંકા પોલીસ તપાસી રહી છે, એમ અધિકારીએ કહ્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ચરસ તથા મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા આઠ આરોપીની ઓળખ બેનિડિક્ટ ફ્રાન્સિસ ગોડગિફ્ટ સાયપ્રિયન ઉર્ફે ડીકુ, શંકર તેજી પટેલ, અવિનાશ બેડેકર, તુનીર મુળિક, વિવેક ચૌબે, અક્ષય જગતાપ, ઇકબાલ હુસેન અને ફૈસલ અકબર મખનોજા તરીકે થઇ હતી.
એએનસીના વરલી યુનિટનો સ્ટાફ માહિમ પશ્ર્ચિમમાં સેનાપતિ બાપટ માર્ગ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે વૃક્ષ નીચે ઊભેલા નાઇજીરિયન બેનિડિક્ટ ફ્રાન્સિસને તેમણે શંકાને આધારે તાબામાં લીધો હતો. ફ્રાન્સિસની તલાશી લેવામાં આવતાં તેની પાસેથી રૂ. 50 લાખની કિંમતનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ મળી આવ્યું હતું.
બીજી તરફ એએનસીના કાંદિવલી યુનિટે કાંદિવલી પશ્ર્ચિમના મહાવીર નગરથી શંકર તેજી પટેલ અને અવિનાશ બેડેકરને 190 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછમાં તુનીર મુળિક અને વિવેક ચૌબેના નામ સામે આવ્યા હતા. તેમને બાદમાં બોરીવલીથી ચરસ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આમ ચારેય જણ પાસેથી રૂ. 57.60 લાખનું ચરસ મળ્યું હતું. આરોપી તુનીર મુળિક આઇટી એન્જિનિયર છે.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-11 અને યુનિટ-10ના અધિકારીઓએ ગોરેગામ અને જોગેશ્વરીથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે અક્ષય જગતા, ઇકબાલ હુસેન અને ફૈસલની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ત્રણ મોબાઇલ અને રોકડ પણ જપ્ત કરાયા હતા.