નવા વર્ષથી શિલફાટા ખાતે ટ્રાફિકજામથી મુક્તિ મળી શકે…
મુંબઈઃ કલ્યાણ ખાતે આવેલા શિલફાટા રોડ નજીકના પલાવા વિસ્તારના ફલાયઓવર બ્રિજ (એફઓબી), ઐરોલી-કટાઈ એલિવેટે રોડનું કામકાજ હવે અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. આ માર્ગના અનેક કામકાજ પૂરા થતાં અમુક રસ્તાઓને 2024ના જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી ખુલ્લા મૂકવામાં આવે એવી શક્યતા છે.
નવા વર્ષમાં આ અમુક રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા મૂકવામાં આવતા કલ્યાણ, ડોંબિવલી, બદલાપુર અને નવી મુંબઈના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. આ ઉપરાંત, ભિવંડી, શિલફાટા, કલ્યાણ, મુમ્બ્રા વિસ્તારના લોકોને પણ રાહત થઈ શકે છે, એમ સત્તાવાર માહિતી મળી હતી.
ભિવંડીના રાંજણોલી ખાતે ચાલી રહેલા વિકાસલક્ષી કામકાજની અહીંના સ્થાનિક સાંસદે સમીક્ષા કરી હતી. નવા વર્ષમાં આ વિસ્તારોથી પનવેલ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા આ કામો સમયસર પૂરા થાય તેના માટે ફલાયઓવર બ્રિજના કામકાજની સમીક્ષા કરી હતી. નવા બાંધવામાં આવી રહેલા એફઓબીના ત્રણ રસ્તાને 15 જાન્યુઆરી સુધી શરૂ કરવામાં આવેશે.
આ પુલ શરૂ થતાં હાલમાં વપરાતા અરુંદ પુલનો ટ્રાફિક ઓછો થશે. ઉપરાંત, શિલફાટાનો આ મુંબઈ અને નવી મુંબઈને જોડતો એરોલી-કાટઈ રસ્તા પરની ડાબી બાજુના માર્ગને ફેબ્રુઆરી સુધી શરૂ થઈ જાય એવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે.
એફઓબીના આ પ્રોજેકટ હેઠળ મુમ્બ્રા વાય જંકશન ખાતે પણ એક ફલાયઓવર બ્રિજ બાંધવામાં આવ્યો છે, જેમાં ઐરોલી એલિવેટેડ માર્ગ અને શિલફાટા એફઓબીના બાંધવાનો પણ પ્રસ્તાવ રાખવામા આવ્યો છે. જો આ પ્રોજેકટ સાથે અહીંના મ્હાપે રસ્તા પર ફલાયઓવર બ્રિજ બાંધવામાં આવે તો અહીંના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
શિલફાટા મ્હાપે પાઇપ માર્ગ પર પાણીની પાઇપલાઇનની કામ ચાલી રહ્યું છે, જેથી અહીં ટ્રાફિક સર્જાય છે. આ કામકાજ થયા બાદ અહીં ટૂંક સમયમાં એફઓબીનું કામ શરૂ કરવામાં આવશે. ઐરોલી કટાઈ કોરિડોરનું કામ પૂરું થતાં શિલફાટાથી નવી મુંબઈનો પ્રવાસ માત્ર 45 મિનિટમાં પૂરો કરી શકાશે. 12 કિલોમીટર લાંબા આ રસ્તામાં 1.68 કિમી લાંબી ટનલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.