નવા વર્ષની મુસાફરીના ધસારાને કારણે મુંબઇ-ગોવા હાઇવે જામ
મુંબઇઃ 2024નું વર્ષના વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે અને 2025ના વર્ષના આગમનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. લોકો 2024ને વિદાય આપવા માટે પરિવાર સાથે પ્રવાસન સ્થળોએ ફરવા જઈ રહ્યા છે. ઉજવણી પહેલા વાહનોના વધુ પડતા ધસારાને કારણે અને ઘણા માર્ગો પર ચાલી રહેલા બાંધકામના કામને કારણે મુંબઈ-ગોવા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે.
નવા વર્ષની ઉજવણી કરવા લોકો સોમવારથી તેમના વાહનોમાં સહપરિવાર સાથે મુંબઇની બહાર દૂરના કોઇ જિલ્લાના દરિયા કિનારે જવા માટે નીકળી ગયા હતા. સોમવારે મુંબઈ નજીક લોનેરે, માનગાંવ અને ઈન્દાપુર પોઈનાડના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો કારણ કે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગોવા અને અલીબાગ જવા નીકળ્યા હતા. સાથે જ અનેક માર્ગો પર ચાલી રહેલા બાંધકામને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. હાઇવે અને સ્થાનિક પોલીસ વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે ભારે પ્રયાસો કરવા પડ્યા હતા. આજે પણ મુંબઇની બાર જતા દરેક રસ્તાઓ પર ટ્રાફિક જામ છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં નવા વર્ષના સ્વાગત માટે પોલીસ પણ તૈયાર છે…
ગોવા એક એવું પર્યટન સ્થળ છે જ્યાં લાખો લોકો નવા વર્ષની ઉજવણી કરવા આવે છે. માત્ર પશ્ચિમ ભારત જ નહીં, દેશના અન્ય રાજ્યોના લોકો પણ ગોવાને ખૂબ પસંદ કરે છે. તેથી, લોકો હવાઈ, ટ્રેન અથવા તેમના અંગત વાહનોમાં ગોવાની મુસાફરી કરે છે.