છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા માટે નવું ટેન્ડર બહાર પડાયું
મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજ્ય સરકારે હવે રાજકોટના કિલ્લા પર શિવાજી મહારાજની પ્રતિમાના પુનઃનિર્માણ માટે પ્રથમ નક્કર પગલું ભર્યું છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે નવી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. પીડબલ્યુડીના કણકવલી વિભાગે મંગળવારે ટેન્ડર પ્રસિદ્ધ કર્યું હતું. રાજ્યે આ કામ માટે રૂ. 20 કરોડ મંજૂર કર્યા છે. કામ પૂર્ણ કરવા માટે છ મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે.
કણકવલીમાં PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અજયકુમાર સર્વગોડે કહ્યું હતું કે, “અમે હવે સાવચેત રહેવા જઈ રહ્યા છીએ. નવી પ્રતિમા ગુજરાતના સ્ટેચ્યુ ઑફ યુનિટીની તર્જ પર બાંધવામાં આવશે. જે પ્રતિમા પડી તે 33 ફૂટ ઊંચી હતી, અને નવી પ્રતિમાની ઊંચાઈ 60 ફૂટ હશે. જે કંપની કે વ્યક્તિ બિડ જીતશે તેણે ખાતરી આપવી પડશે કે તે 100 વર્ષ સુધી બરાબર રહેશે અને પ્રથમ દસ વર્ષ સુધી તેની જાળવણી કરશે.
ટેન્ડરમાં જણાવ્યા મુજબ ઈચ્છુક શિલ્પકારોએ 3 ઓક્ટોબર સુધીમાં શિવાજી મહારાજની પ્રસ્તાવિત પ્રતિમાનું 3 ફૂટ ઉંચુ ફાઈબર મોડલ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ 4 ઓક્ટોબરે શ્રેષ્ઠ મોડલની પસંદગી કરી રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા બનાવવાની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થતાં મહારાષ્ટ્રમાં ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ હતી. વિપક્ષે આ પ્રતિમાનું નિર્માણ હલકી કક્ષાનું હોવાનો મુદ્દો ઉઠાવતા મહાગઠબંધન સરકારને ઘેરી હતી, જેને કારણે રાજ્ય સરકાર ભીંસમાં આવી હતી અને તેની સાથે કેન્દ્ર સરકારને પણ નીચાજોણું થયું હતું. પ્રતિમાના પતન પછી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અસંખ્ય શિલ્પકારોની નવી પ્રતિમા બાંધવા અંગે તેમના મંતવ્યો માટે સલાહ લીધી હતી. આ ઉપરાંત વડા પ્રધાન મોદી, મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ ઘટના માટે જાહેરમાં માફી પણ માગી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ડિસેમ્બરે સિંધુદુર્ગ ખાતે નેવી ડેની પૂર્વ સંધ્યાએ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જોકે, આ પ્રતિમા માત્ર આઠ મહિનામાં જ ધરાશાયી થઈ ગઈ હતી. જયદીપ આપ્ટે નામના શિલ્પકારને કંઇ જ અનુભવ ના હોવા છતાં ભારતીય નૌકાદળ દ્વારા પ્રતિમા બનાવવાનું કામ સોંપ્યું હતું. આ પ્રતિમા માત્ર આઠ મહિનામાં જ પડી જતાં પ્રતિમાની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. મહાયુતિના નેતાઓએ આ પ્રતિમા પડી જવા માટે પવનની વધુ ઝડપ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. હવે નવી પ્રતિમા ઊભી કરતી વખતે આ બાબતનું શું ધ્યાન રાખવામાં આવશે એ અંગે કોઇ માહિતી મળી નથી.
Also Read –