ઘરની ખરીદીમાં થતી છેતરપિંડી ટાળવા માટે મહારેરાનો નવો આદેશ
હવે માત્ર એક જ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે
મુંબઈ: હાઉસિંગ પ્રોજેક્ટને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશનને કારણે ઘર ખરીદદારોની થતી છેતરપિંડીને ટાળવા માટે રાજ્યમાં એક સ્વયંભૂ (સ્ટેન્ડ અલોન) પ્રોજેક્ટને એક જ રજિસ્ટ્રેશન નંબર આપવાનો નિર્ણય મહારેરાએ હાલમાં લીધો છે. આ અંગેનો આદેશ મહારેરાએ બહાર પાડ્યો હોઇ તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે.
હવેથી હાઉસિંગ પ્રોજેક્ટની નવેસરથી નોંધણી માટે આવતા દરેક પ્રમોટરે સૂચિત પ્રોજેક્ટની સાઈટ પર અથવા સાઈટના કોઇ પણ ભાગમાં તેમના પોતાના રજિસ્ટર્ડ પત્રમાં નિયત ફોર્મમાં હાજર મહારેરા નોંધણી નંબર અસ્તિત્વમાં ન હોય, એ માટે અરજી પણ પેન્ડિંગ ન હોય, એ જગ્યાનો સિટી સર્વે નંબર, પ્લોટ ક્રમાંક, શેર નંબર, ગ્રુપ નંબર વગેરે સહિત જગ્યાની તમામ વિગતો સોગંદનામા દ્વારા ખાતરી આપવી પડશે. પ્રમોટરે રજિસ્ટર્ડ નંબર મેળવવા માટે સોગંદનામામાં આપેલી ખાતરીમાં કોઇ પણ ભૂલ કે પછી ખોટી અને દિશાભૂલ કરતી માહિતી આપી હશે તો મહારેરા તેની સામે કાર્યવાહી કરશે.
અમુક પ્રમોટરો સંબંંધિત જમીન પર અગાઉનો મહારેરા રજિસ્ટ્રેશન નંબર હોવા છતાં મહારેરાને જાણ ન થાય એ રીતે એ બાબતે વિવિધ કારણોને લઇને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે અરજી કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અમુક ઠેકાણે જમીનમાલિક, પ્રમોટર જુદા જુદા હોવાને કારણે સ્વતંત્ર રીતે અને અમુક ઠેકાણે જમીનમાલિક એકથી વધુ પ્રમોટરો સાથે કરાર કરતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. આને કારણે અનેક પ્રોજેક્ટો ઘોંચમાં પડી જતા હોય છે.
આવી બિલ્ડિંગોને ઓક્યુપાઈડ સર્ટિફિકેટ (ઓસી) મેળવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. આને કારણે પાણીપુરવઠો અને અન્ય મહત્ત્વની સુવિધા મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હોવાથી ઘરની ખરીદી કરનારાઓને અનેક અડચણોનો સામનો કરવો પડતો હોય છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે મહારેરાએ લગામ ખેંચી છે. એકથી વધુ રજિસ્ટ્રેશન નંબર નોંધવામાં ન આવે એ માટે મહારેરાએ આ નિર્ણય લીધો છે.