ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત કેસઃ પૂર્વ સીઇઓની ધરપકડ

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરનારી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના શાખાએ ગુરુવારે મોડી રાતે બૅંકના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અભિમન્યુ સુરેન્દરકુમાર ભૌન (45)ની ધરપકડ કરી હતી. અભિમન્યુ ભૌનને ઉચાપતની રકમમાંથી સમયાંતરે એક કરોડ રૂપિયા મળ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત: મલાડના વેપારી અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી
ખાર પશ્ચિમના 16મા રોડ પરના ઝુલેલાલ એપાર્ટમેન્ટમાં રહેતા અભિમન્યુ ભૌનનું પોલીસે બુધવારે પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતા અને ડેવલપર ધર્મેશ જયંતીલાલ પૌનની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી ભૌન સાથે એ બંનેને આજે મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયને 28 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકમાં 122 કરોડની ઉચાપત: ભૂતપૂર્વ જનરલ મેનેજરની ધરપકડ
ઓડિટ વખતે ઉચાપતની માહિતી છુપાવ્યાની થઈ જાણ
બૅંકમાં ગોટાળો થયો એ સમયે અભિમન્યુ ભૌન બૅંકમાં સીઇઓ તરીકે ફરજ બજાવતો હતો. બેન્કના વડામથકની કૅશ ઇન હેન્ડ/ કૅશ રિટેન્શન લિમિટ 2016માં 10 કરોડ રૂપિયા પરથી 20 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. આમ છતાં હિતેશ અને ભૌને માર્ચ, 2019માં 33 કરોડ રૂપિયા, માર્ચ, 2020માં 99 કરોડ કૅશ ઇન હેન્ડ રાખી હતી. બૅંકના વ્યવહારોનું સમયાંતરે ઑડિટ કરાયું ત્યારે ઉચાપત વિશે માહિતી હિતેશ મહેતા અને ભૌને કઇ રીતે છુપાવી તે અંગે તપાસ ચાલી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહેતા બૅંકના કર્મચારીને કૉલ કરીને સૅફમાંથી પૈસા કાઢવાની આપતો સૂચના
ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં પકડાયેલો ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવીણચંદ્ર મહેતા બૅંકના બે કર્મચારીને કૉલ કરીને સૅફમાંથી એક સમયે પચાસ લાખ રૂપિયા કાઢીને અમુક વ્યક્તિઓને પહોંચાડવાની સૂચના આપતો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આર્થિક ગુના શાખા મહેતા સહિત પૌનની કરી ધરપકડ
રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયા દ્વારા નિરીક્ષણમાં બૅંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત થઇ હોવાની જાણ થતાં બૅંક પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. બાદમાં દાદર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવાતાં ગુનો દાખલ કરાયો હતો. આર્થિક ગુના શાખાએ હિતેશ મહેતા તથા કાંદિવલીના ડેવલપર ધર્મેશ પૌનની ધરપકડ કરી હતી.
આ કેસમાં બંને કર્મચારી હવે સાક્ષીદાર છે
હિતેશ મહેતા કસ્ટોડિયન હોવાને નાતે તેને બૅંકની સૅફમાં જવાની પરવાનગી હતી. બૅંકના એ બંને કર્મચારીના પોલીસે નિવેદન નોંધ્યાં છે, જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. હિતેશ દ્વારા મોકલવામાં આવતા લોકોને રોકડ કઇ રીતે આપવામાં આવતી હતી, જેની વિગતો બંને કર્મચારીએ પોલીસને આપી હતી. બંને કર્મચારી હવે આ કેસમાં સાક્ષીદાર છે.
ઓડિટમાં કેમ જાણ થઈ નહીં?
એક સમયે પચાસ-પચાસ લાખ રૂપિયા અનેક વાર અનેક વ્યક્તિઓને સોંપાઇ હતી. બેન્કના ભૂતપૂર્વ કર્મચારીએ પ્રવર્તમાન સ્થિતિ વિશે આરબીઆઇને એ સમયે લખ્યું હતું. અમે આરબીઆઇ પાસે આ માહિતીની વિશ્ર્વસનીયતા તપાસી રહ્યા છીએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. ખાસ વાત એ છે કે અપાત્ર વ્યક્તિઓને નાણાંનું વિતરણ કરવામાં આવ્યું હોવાથી નોન-પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) વધી રહી હતી, જે બૅંકની નબળી પડતી સ્થિતિ વિશે પ્રશાસન વાકેફ હતું. છેલ્લાં બે વર્ષમાં બૅંકની સ્થિતિ અત્યંત ખરાબ થઇ હતી. આટલા મોટા પાયે ભંડોળની ઉચાપત થઇ હોવા છતાં ઑડિટમાં તે કેમ પકડાયું નહીં તે અંગે તપાસ કરાઇ રહી છે.