આમચી મુંબઈ

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક સ્કૅમ: 168 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની પોલીસને મળી મંજૂરી

મુંબઈ: નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા બાદ શહેરમાં આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં કોર્ટે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે પાંચ આરોપીની 167.85 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની મંજૂરી પોલીસને આપી છે.

આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે મેજિસ્ટ્રેટ કોર્ટની મંજૂરી મળ્યા બાદ ટાંચ મારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ મિલકતોમાં ચારકોપ ખાતેના 150 કરોડ રૂપિયાના એસઆરએ પ્રોજેક્ટનો સમાવેશ છે, જે ધરપકડ કરાયેલા બિલ્ડર ધર્મેશ પૌન દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: પંદર કરોડ રૂપિયા મેળવનારા ઝારખંડના હોટેલિયરની ધરપકડ

મુંબઈમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 170 હેઠળ આ પ્રકારની પહેલી કાર્યવાહી હશે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

આ કલમ પોલીસને ‘ગુનાહિત પ્રવૃત્તિ’ના ભાગરૂપે સીધી કે આડકતરી રીતે મેળવેલી અથવા હસ્તગત કરેલી કોઇ પણ મિલકતને ટાંચ મારવાની મંજૂરી આપે છે.

આર્થિક ગુના શાખાની અરજીના જવાબમાં કોર્ટે બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતાના સાત ફ્લેટ, એક દુકાન અને બંગલો સહિત 21 મિલકતોને ટાંચ મારવાની મંજૂરી આપી છે.

અન્ય મિલકતોમાં ઉન્નાહલાથન અરુણાચલમની દુકાન, આરોપી કપિલ દેઢિયાએ માલિકીનો ફ્લેટ અને બિહારમાં બિઝનેસમેન જાવેદ આઝમની મધુબનીમાં દુકાન અને ફ્લેટ, પટનામાં ફ્લેટ સહિતની મિલકતોનો સમાવેશ છે. આ તમામ લોકો બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાં સામેલ છે.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button