ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડની ઉચાપત: સિવિલ કોન્ટ્રેક્ટર વડોદરાથી પકડાયો
કપિલ દેઢિયાના બૅંક ખાતામાં 12 કરોડ રૂપિયા જમા થયા હતા

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ શુક્રવારે વડોદરાથી ફરાર સિવિલ કોન્ટ્રેક્ટરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ કપિલ દેઢિયા તરીકે થઇ હોઇ બૅંક ખાતામાં 12 કરોડ રૂપિયા જમા થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત: મલાડના વેપારી અરુણભાઇ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી
દહિસરના રહેવાસી 45 વર્ષના કપિલ દેઢિયાને વડોદરાથી મુંબઈ લાવવામાં આવ્યા બાદ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં તેને 19 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
પોલીસના જણાવ્યા મુજબ બૅંકની ઉચાપત કરાયેલી રકમમાંથી 12 કરોડ રૂપિયા કપિલ દેઢિયાના ખાતામાં જમા થયા હતા. દેઢિયાને આ રકમ ડેવલપર ધર્મેશ પૌન, વેપારી ઉન્નનાથન અરુણચલમ ઉર્ફે અરુણભાઇ અને બૅંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર તથા અગાઉન્ટ્સ હૅડ હિતેશ મહેતા પાસેથી મળી હતી, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા બૅંકમાં 122 કરોડની ઉચાપત: હિતેશ મહેતા પર પોલીગ્રાફ ટેસ્ટ કરાઇ…
આ કેસની તપાસમાં દેઢિયાનું નામ સામે આવ્યા બાદ પોલીસ તેની શોધ ચલાવી રહી હતી. દેઢિયા પોલીસથી બચવા કચ્છ, જયપુર અને વડોદરામાં કેટલાક દિવસ રહ્યો હતો. જોકે પોલીસે શુક્રવારે વડોદરાથી તેને પકડી પાડ્યો હતો. દેઢિયાની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા હવે પાંચ થઇ છે.
આ કેસમાં બૅંકના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ, તેની પત્ની અને બૅંકની ભૂતપૂર્વ વાઇસ-ચેરમેન ગૌરી ભાનુ તેમ જ વેપારી અરુણાચલમને પોલીસ શોધી રહી છે. અરુણાચલમના પુત્ર મનોહરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પિતા અરુણાચલમને ભગાડવામાં મદદ કરવાનો મનોહર પર આરોપ છે.
આ પણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકની તપાસમાં આવી ચોંકાવનારી બાબત: સૅફમાં જગ્યા 10 કરોડની, દાખવી કૅશ 122 કરોડ
ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા બૅંકની પ્રભાદેવી અને ગોરેગામની બ્રાન્ચમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત સામે આવ્યા બાદ બૅંકના એક્ટિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર દેવર્ષી ઘોષે ફરિયાદ નોંધાવી હતી. દાદર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરાયા બાદ તપાસ આર્થિક ગુના શાખાને સોંપવામાં આવી હતી. પોલીસે આ કેસમાં હિતેશ જૈન, ધર્મેશ પૌન અને બૅંકના ભૂતપૂર્વ સીઇઓ અભિમન્યુ ભૌનની ધરપકડ કરી હતી.