ન્યૂ ઇન્ડિયા કો-ઓપ, બૅંકના 122 કરોડની ઉચાપત: વૉન્ટેડ બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયર લખનઊથી ઝડપાયો

મુંબઈ: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં મુંબઈ પોલીસે 47 વર્ષના બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરની લખનઊથી શનિવારે ધરપકડ કરી હતી.
મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં છ વૉન્ટેડ આરોપીઓમાંથી પવન અમરસિંહ જયસ્વાલને શનિવારે સવારે આઠ વાગ્યે પકડી પાડ્યો હતો. ઝારખંડના વતની પવન જયસ્વાલને ઉચાપતની કુલ રકમમાંથી 3.5 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. જયસ્વાલની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા નવ થઇ છે.
આપણ વાંચો: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડની ઉચાપત કેસઃ પૂર્વ સીઇઓની ધરપકડ
આર્થિક ગુના શાખાના અધિકારીઓને માહિતી મળી હતી કે આરોપી લખનઊમાં છુપાયો છે. આથી પોલીસ ટીમ ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ગોમતીનગર એક્સટેન્શન ખાતે રવાના થઇ હતી. પોલીસે જયસ્વાલને તેના ઘરેથી તાબામાં લીધો હતો.
દરમિયાન જયસ્વાલને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં 7 જુલાઇ સુધી તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા હતા. આરોપીને બાદમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો.
આર્થિક ગુના શાખાના જણાવ્યા અનુસાર ન્યૂ ઇન્ડિય કો-ઓપ. બૅંકની પ્રભાદેવી અને ગોરેગામ શાખામાં સેફમાંથી 1200 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આ પ્રકરણે 10 આરોપી વિરુદ્ધ પોલીસે આરોપનામું દાખલ કર્યું છે, જેમાં બૅંકનો ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરી ભાનુને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે. (પીટીઆઇ)