ઘાટકોપરમાં વધુ મોટું હિંદુ સ્મશાન દોઢ વર્ષમાં શરૂ થશે
૧૦૦ વર્ષથી જૂની સ્મશાનભૂમિનું નૂતનીકરણ કરાયા બાદ પાર્કિં સહિતની સુવિધામાં વધારો થશે દોઢેક વર્ષમાં નવુ સ્મશાન તૈયાર થઈ જશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં આવેલી લગભગ ૧૦૦ વર્ષ જૂની હિન્દુ સ્મશાનભૂમિનું મોટી જગ્યામાં સ્થળાંતર કરવામાં આવવાનું છે. જોકે સ્મશાનભૂમિનું સંચાલન કરનારા ટ્રસ્ટીગણના કહેવા મુજબ સ્થળાંતર નહીં પણ હાલના સ્મશાનભૂમિને થોડે દૂર વધુ મોટી જગ્યામાં ખસેડીને અત્યાધુનિક સગવડો સાથે તેનું નૂતનીકરણ કરવામાં આવવાનું છે. નવી જગ્યાએ કામ ચાલુ કરાયું હોવાથી આગામી દોઢેક વર્ષમાં નવું સ્મશાનગૃહ તૈયાર થઈ જાય એવી શક્યતા છે.
ઘાટકોપર (પૂર્વ)માં એમ. જી. રોડ પર વિદ્યાવિહાર સૌમેયા કૉલેજના પરિસરને અડકીને હિન્દુ સ્મશાનભૂમિ આવેલી છે. લગભગ ૧૦૦ વર્ષથી વધુ જૂના સ્મશાનભૂમિનું સંચાલન કરનારા ટ્રસ્ટે હવે આ જૂની સ્મશાનભૂમિને આધુનિક સગવડો સાથે તેને સજ્જ કરવાનું કામ હાથમાં લીધું છે. ઘાટકોપરના વિકાસની સાથે જ તેનું કદ પણ મોટું થતું ગયું, તેની સામે એક સદી જૂની સ્મશાનભૂમિમાં હાલ રહેલી સુવિધા અપૂરતી છે અને જગ્યા પણ નાની પડી રહી છે. તેથી લાંબા સમયથી સ્મશાનભૂમિને અત્યાધુનિક બનાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો હતો, જેમાં સોમૈયા ટ્રસ્ટ તરફથી સહકાર મળતા વાત આગળ વધી હતી. સોમૈયા ટ્રસ્ટ તરફથી સ્મશાનભૂમિ માટે મોટી જગ્યા આપવામાં આવવાની છે, પરંતુ સ્મશાન તેની મૂળ જગ્યાએથી થોડું આગળ લઈ જવામાં આવવાનું છે.
ઘાટકોપર હિંદુ સ્મશાનભૂમિનું સંચાલન કરનારા ટ્રસ્ટના ટ્રસ્ટી મનોજ દહીસરિયાએ ‘મુંબઈ સમાચાર‘ને જણાવ્યું હતું કે મૃત સ્વજનોને અંતિમ વિદાય આપવા આવનારા લોકોને અગવડ ન પડે તે માટે વધુ સુવિધા સાથે સ્મશાનને અત્યાધુનિક સગવડો સાથે સજ્જ કરવામાં આવવાનું છે. તે માટે સ્મશાનભૂમિના નૂતનીકરણનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. સ્મશાનને હાલ તેની મૂળ જગ્યા પરથી થોડે દૂર લઈ જવામાં આવવાનું છે. સોમૈયા ટ્રસ્ટે હાલ સ્મશાનભૂમિ છે, તેનાથી થોડે આગળ એક મોટો પ્લોટ આપવાની તૈયારી બતાવી છે. થોડું લીગલ પેપર વર્ક બાકી હોઈ તેના પર કામ ચાલી રહ્યુ છે. અન્ય મંજૂરી મળી છે.
કમેન્સમેન્ટ સર્ટિફિકેટ (સીસી) પણ મળી ગયું છે. હાલ નવી જગ્યાએ કમ્પાઉન્ડ વોલ સહિતના નાના મોટાં કામ ચાલી રહ્યાં છે. આગામી ચારેક મહિનામાં તમામ મંજૂરી મળી જશે અને ત્યારબાદ સાઈટ પર કામ ચાલુ કરી દેવાની યોજના છે. આગામી દોઢેક વર્ષમાં સ્મશાનભૂમિને શરૂ કરી દેવાની યોજના છે.
સ્મશાનભૂમિના નૂતનીકરણ બાબતે વધુ માહિતી આપતા મનોજ દહીસરિયાએ જણાવ્યું હતું કે હાલનું સ્મશાનભૂમિ લગભગ ૨,૫૦૦ મીટર જગ્યામાં ફેલાયેલું છે. આ સ્મશાનભૂૂમિમાં જ નાનાં બાળકો માટેની દફનભૂમિ પણ છે, જેમાં નાના બાળકોનાં મૃત્યુ બાદ તેમને દફનાવવામાં આવે છે. સોમૈયા ટ્રસ્ટ પાસેથી ૪,૨૦૦ મીટર જગ્યા મળવાની છે. મોટી જગ્યા મળવાને કારણે બાળકોના દફન માટેની જગ્યા પણ મોટી મળશે. એ સાથે જ નવી જગ્યા પર શિવ મંદિર ઊભું કરાશે. વાહોના પાર્કિંગ માટે વધુ જગ્યા મળશે. સ્મશાનભૂમિમાં અંદર બગીચો બનાવવામાં આવવાનો છે. તેમ જ નવા સ્મશાનભૂમિમાં બે ઈલેક્ટ્રિક (સીએનજી સંચાલિત) અને છ લાકડાની ચિતાની વ્યવસ્થા ઊભી કરવામાં આવવાની છે.