‘સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’
આવું પહલગામમાં બચી ગયેલી જાલનાની ઓલ ઈન્ડિયા રેડિયોની અનાઉન્સર નેહા ઉર્ફે કિશોરી કહે છે

મુંબઈ: ‘કંઇક સારાં પુણ્ય કર્યા હશે એટલે હું બચી ગઇ’ ફફડતા હોઠે આ શબ્દો કહે છે જાલનામાં ઓલ ઈન્ડિયા રેડિયો (ઍર)માં કૅઝ્યુઅલ અનાઉન્સર તરીકે કાર્ય કરતી નેહા ઉર્ફે કિશોરી વાઘુલાડે. પહલગામ આતંકવાદી હુમલામાં નેહા અને તેનું ગ્રુપ બચી ગયું હતું. નેહા પણ પોતાના ગ્રુપ સાથે જમ્મુ-કાશ્મીર ગઇ હતી. પહલગામમાં જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે તે ત્યાં જ હતી, પરંતુ નસીબજોગે તે અને તેના ગ્રુપના સભ્યો આ હુમલામાં બચી ગયા હતા.
મેં જીવનમાં ખરેખર કંઇ સારું કર્યું હશે એટલે હું જીવતી છું, એમ નેહાએ હુમલા બાદ તેના પતિ તુષાર વાઘુલાડેને કરેલા ફોનમાં કહ્યું હતું. તેના પતિ તુષારે જળગાંવથી જણાવ્યું હતું કે તે ૧૫મી એપ્રિલ તેના ગ્રુપ સાથે કાશ્મીર ફરવા ગઇ હતી.
‘તેનું ગ્રુપ પહલગામમાં હતું. કામને કારણે તેનો અને મારો બે દિવસથી કોઇ સંપર્ક થયો નહોતો. મેં મંગળવારે બે વાગ્યે તેને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે અહીં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે અને તે સુરક્ષિત છે’, એમ તુષારે જણાવ્યું હતું.
તે બોલતી વખતે કાંપી રહી હતી. તેણે પછી ફોન કટ કરી દીધો. પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેના અવાજ પરથી મને જણાઇ રહ્યું હતું, એમ તેણે વધુમાં જણાવ્યું હતું. ભારતીય લશ્કરી દળે બહુ મદદ કરી હોવાનું નેહાએ કહ્યું હતું. હવે તેમનું ગ્રુપ કટડા તરફ જવા રવાના થયું છે અને ત્યાર પછી તેઓ વૈષ્ણો દેવીના દર્શને જશે, એમ તુષાર વાઘુલાડેએ કહ્યું હતું.