‘નીટ’ના પરિણામમાં રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય,મહારાષ્ટ્ર સરકારનો આક્ષેપ: પરીક્ષા રદ કરવાની માંગણી
મુંબઈ: નેશનલ એલિજિબિલિટી અને એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ)ના પરિણામમાં રાજ્યના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે એવો આક્ષેપ કરી મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને આયોજિત ‘નીટ’ પરીક્ષા તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગણી કરી છે. પાંચમી મેના દિવસે 571 શહેરના 4750 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવેલી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ – યુજી) આપનારા અનેક વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માર્કમાં કરવામાં આવેલા વધારાને કારણે 67 ઉમેદવારને ટોપ રેન્ક મળી હતી જેમાં હરિયાણાના જ એક કેન્દ્રના છ વિદ્યાર્થીઓનો સમાવેશ હતો. પરીક્ષાનું પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કોઈ પણ અનિયમિતતા હોવાનો ઈન્કાર કરી સ્પષ્ટતા કરી હતી કે એનસીઇઆરટીના પુસ્તકોમાં કરવામાં આવેલા ફેરફાર અને પરીક્ષા કેન્દ્રો પર સમય ઓછો મળવાને કારણે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ વિદ્યાર્થીઓને વધુ માર્ક મળ્યા એના કેટલાક કારણો છે.
આ પણ વાંચો : NEET EXAM: અનિયમિતતાઓની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસની કોંગ્રેસે કરી માંગ
આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર તબીબી શિક્ષણ ખાતાના પ્રધાન હસન મુશરિફે શુક્રવારે જણાવ્યું હતું કે ‘પૈસા લીધા પછી ‘નીટ’ પરીક્ષા લેવામાં આવી હોવાની સંભાવના છે. પરીક્ષાના પરિણામ એવા છે કે મહારાષ્ટ્રના એક પણ વિદ્યાર્થીને રાજ્યમાં એમબીબીએસની સરકારી કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન નહીં મળે. આ પરિણામને કારણે મહારાષ્ટ્ર સાથે અન્યાય થયો છે અને એટલે એ તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ. અમે એ સંદર્ભે નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવાના છીએ.’ સરકાર આ મુદ્દે અદાલતના દ્વાર ખટખટાવે એવી સંભાવના પણ મુશરિફે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘નીટ – યુજી’ એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ અને અન્ય તબીબી અભ્યાસક્રમ માટે લેવામાં આવતી પાત્ર પ્રવેશ પરીક્ષા (ક્વોલિફાઇંગ એન્ટ્રન્સ એક્ઝામ) છે. દેશભરની 540 મેડિકલ કોલેજોમાં 80,000થી વધારે એમબીબીએસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે.