આમચી મુંબઈ

ઘાટકોપર સ્ટેશને CCTV Camera બેસાડવાનું જરુરીઃ રેલવેને પોલીસ કર્યો અનુરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને વધતા પેસેન્જર ટ્રાફિક અને ગુનાઓને નિયંત્રણમાં રાખવા માટે રેલવે સ્ટેશનની હદમાં સીસીટીવી કેમેરા (CCTV Camera) બેસાડવાની પ્રક્રિયા ઝડપથી પાર પાડવામાં આવી રહી હોવા છતાં મહત્ત્વના સ્ટેશને બંધ થયેલી યંત્રણા અથવા આધુનિક સીસીટીવી કેમેરા બેસાડવાનું સૌથી વધુ જરુરી છે, જે અન્વયે રેલવે પોલીસે ઘાટકોપર સ્ટેશને તાકીદે સીસીટીવી કેમેરા બેસાડવાની રેલવેને અપીલ કરી છે.

દરેક સ્ટેશન પર સીસીટીવી કૅમેરાની મદદથી સરકારી રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા સુરક્ષા અંગે નજર રાખવામાં આવે છે. તાજેતરમાં ઘાટકોપર રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજના કામકાજને કારણે 8 સીસીટીવી કૅમેરાને હટાવવામાં આવ્યા હતા. હવે આ બ્રિજનું કામ પૂર્ણ થતાં જીઆરપી દ્વારા આઠ કૅમેરાને ફરીથી બેસાડવા સાથે સ્ટેશન પર વધુ 20 કૅમેરા લગાડવામાં આવે એવી અરજી ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ)ને કરવામાં આવી છે.

ઘાટકોપર સ્ટેશને રોજના છ લાખથી વધુ પ્રવાસી અવરજવર કરે છે, તેમાંય વળી મેટ્રોના પ્રવાસીઓની અવરજવર વધી છે. મેટ્રોને લોકલ ટ્રેન સ્ટેશનને જોડતા ઘાટકોપર સ્ટેશન અને આસપાસના પરિસરમાં પ્રવાસીઓની સુરક્ષા અને દરેક ઘટના પર નજર રાખવા જીઆરપીએ રેલવે મેનેજરને પત્ર લખી આ કૅમેરાને ફરીથી ઇન્સ્ટોલ કરવાની અરજી કરી હતી.

આ પણ વાંચો

ઘાટકોપરમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા આવેલા રીઢા આરોપીઓ શસ્ત્રો સાથે પકડાયા

એક અહેવાલ મુજબ 2023માં ઘાટકોપર સ્ટેશન પર 338 ગુનાની નોંધ કરવામાં આવી હતી. તેમ જ આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી 62 જેટલા ગુના જીઆરપી દ્વારા નોંધવામાં આવ્યા હતા. ઘાટકોપરના પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ અને બુકિંગ ઓફિસમાં લગાવવામાં આવેલા આઠ કૅમેરાને ફૂટઓવર બ્રિજના બાંધકામ માટે હટાવવામાં આવ્યા હતા. આ કૅમેરાને હટાવવામાં આવતા જીઆરપી જવાનોને સ્ટેશન પર થતાં ગુનાઓ અને અકસ્માતની તપાસ કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે, તેથી વહેલી તકે સીસીટીવી કેમેરા બેસાડવાનું જરુરી છે.

ઘાટકોપર રેલવે સ્ટેશન પર પેસેન્જર સંબંધિત સુરક્ષા જાળવી રાખવા માટે અને પીક અવર્સમાં ગુનાઓને રોકવા માટે જીઆરપીએ વધુ પોલીસ બળ તહેનાત કર્યું છે અને ફૂટઓવર બ્રિજનું કામ પૂર્ણ થતાં 15 દિવસની અંદર આઠ સીસીટીવી કૅમેરાનું ઈન્સ્ટોલેશન થઈ જશે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.

જીઆરપીના સિનિયર પોલીસ અધિકારીએ ડીઆરએમને પત્ર લખીને ઘાટકોપરના પ્લેટફોર્મ નંબર એક, બે, ત્રણ, ચાર અને બે ફૂટઓવર બ્રિજ પર પણ કૅમેરા ઇન્સ્ટોલ કરવાની અરજી કરી હતી. ઘાટકોપર રેલવે સ્ટેશન પર સીસીટીવીની ખરીદી માટે ટેન્ડર જાહેર કરી એક વર્ષમાં નવા 20 કૅમેરા પણ સ્ટેશન પર બેસાડવામાં આવશે, એવું અધિકારીએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?