એનસીપી (એસપી), કોંગ્રેસે સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા
મુંબઈ: કોંગ્રેસ અને એનસીપી (એસપી) એ શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેના આરોપોને નકારી કાઢ્યા હતા અને પ્રશ્ર્ન કર્યો હતો કે પોલીસ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા સાથે વાત કરવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી હતી.
મીડિયાના અહેવાલો અનુસાર વાઝેએ દેશમુખ સામે લાંચ લેવાના તેમના આરોપને પુનરોચ્ચાર કર્યો છે. વાઝેએ અગાઉ તપાસ પંચને જણાવ્યું હતું કે તેણે દેશમુખના સહયોગીઓને સૂચનાને આધારે પૈસા ચૂકવ્યા હતા. દેશમુખે 2021 માં રાજ્યના ગૃહ પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ દાવો કર્યો હતો કે વાઝેએ અગાઉ ચાંદીવાલ કમિશનને કહ્યું હતું કે દેશમુખ અથવા તેમના અંગત સહાયકોએ ક્યારેય કોઈ પૈસાની માંગણી કરી ન હતી અને ન તો તેમને મુંબઈના રેસ્ટોરન્ટ અને બારમાંથી પૈસા એકત્રિત કરવા માટે સૂચના આપી હતી.
દેશમુખ સામેના આરોપોની તપાસ કરવા માટે નિવૃત્ત જસ્ટિસ કેયુ ચાંદીવાલની આગેવાની હેઠળ 2021માં પંચની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મહા વિકાસ અઘાડી સત્તામાં હતી. આ પંચે એપ્રિલ 2022માં સરકારને 201 પાનાનો અહેવાલ સુપરત કર્યો હતો. તાપસેએ એમ પણ કહ્યું હતું કે વાઝ એક બદનામ વ્યક્તિ છે અને ઉમેર્યું હતું કે તેમનું નિવેદન ‘સ્પષ્ટ રીતે રાજકીય રીતે પ્રેરિત’ છે અને તેનો હેતુ અમુક રાજકીય હિતો પાર પાડવાનો છે.
આ પણ વાંચો: સચિન વાઝેને ચિંતા સતાવી રહી છે ઝૂમકાની, કોર્ટમાં અરજી આપીને કરી આવી માગણી….
તાપસેએ એવો દાવો કર્યો હતો કે તત્કાલીન કમિશનર પરમ બીર સિંહે દેશમુખ સામે આરોપો લગાવ્યા હતા, પરંતુ ચાંદીવાલ સમિતિ સમક્ષ તેમણે આના પુરાવા આપ્યા નહોતા. તેમણે (સિંઘે) પછી કમિશનને એક પત્ર સબમિટ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમનો આરોપ તેમણે સાંભળેલી માહિતી પર આધારિત છે અને તેની પાસે તેને સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી, એમ તાપસેએ ધ્યાન દોર્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ એવો સવાલ કર્યો હતો કે જેલમાં બંધ વ્યક્તિને પોલીસ કર્મચારીઓ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવી રહી હતી ત્યારે મીડિયા સાથે વાત કરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી. તેમણે એવી માગણી કરી હતી કે આ વિશેષ સુવિધા આપવા માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. સ્પષ્ટ છે કે તેને (વાઝે) કોણ આ બધું કહેવા માટે મજબૂર કરી રહ્યું છે. સચિન વાઝેને મીડિયા સાથે કેવી રીતે વાત કરવાની મંજૂરી આપવામાં આવી તેની તપાસ થવી જોઈએ, કારણ કે કસ્ટડીમાં રહેલા કેદીઓને મીડિયા સાથે વાતચીત કરવાની મંજૂરી હોતી નથી.