NCP (શરદચંદ્ર પવાર)ની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય સંસદીય સમિતિ દ્વારા બુધવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં બે ઉમેદવારના નામ છે.
એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા સાતારાની બેઠક પરથી શશિકાંત શિંદે અને રાવેર લોકસભા બેઠક પરથી શ્રીરામ પાટીલને ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. આ પહેલાં અઠવાડિયાઓ લાંબી વાટાઘાટો બાદ મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો દ્વારા મંગળવારે તેમની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ હોવાની જાહેરાત કરી હતી. આ સમજૂતી હેઠળ શિવસેના (યુબીટી) 21 બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે કૉંગ્રેસ 17 બેઠકો પરથી લડશે. એનસીપી (એસપી)ને 10 બેઠક ફાળવવામાં આવી છે.
બેઠકોની વહેંચણીની સમજૂતીની જાહેરાત એનસીપી (એસપી)ના શરદ પવાર, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
એનસીપી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ યાદીમાં મળીને કુલ નવ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ ઉમેદવારોમાં સુપ્રિયા સુળે-બારામતી, અમોલ કોલ્હે-શિરૂર, નિલેશ લંકે-અહમદનગર, અમર કાળે-વર્ધા, ભાસ્કર ભગરે-દિંડોરી, બજરંગ સોનવણે-બીડ, સુરેશ ઉર્ફે બાળ્યા મામા મ્હાત્રે-ભિવંડીનો સમાવેશ થાય છે.