એનસીસી વિદ્યાર્થીઓને ચૂંટણી ફરજમાંથી મુક્ત રાખવાની કરી માગણી
મુંબઈ: લોકસભાની ચૂંટણીને કારણે સરકારી અને અર્ધસરકારી કચેરીઓના કર્મચારીઓને ચૂંટણીની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે, જ્યારે અમુક બિનસરકારી કંપનીના કર્મચારીને રાખવાની સાથે સ્કૂલ-કોલેજના એનસીસી અને સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓની મદદ લેવાની જાહેરાત પછી શિક્ષકોએ તેને મુક્ત કરવાની માગણી કરી હતી.
ચૂંટણીમાં ફરજ અંગે નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ), નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) તેમજ સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓની યાદી ચૂંટણી પંચ દ્વારા શાળાના પ્રિન્સિપાલો પાસે માંગવામાં આવતા આ વિદ્યાર્થીઓને આ ફરજમાંથી મુક્ત રાખવાની માંગણી શિક્ષકોએ કરી છે.
ચૂંટણી પંચના નિર્દેશ બાદ મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ અધિકારીએ ગયા અઠવાડિયે શાળાના પ્રિન્સિપાલોને પત્ર પાઠવ્યા હતા જેમાં ચૂંટણીમાં ફરજ બજાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓની યાદી આપવા વિનંતી કરવામાં આવી છે.
શિક્ષણ ખાતાના એક અધિકારીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે દર ચૂંટણી વખતે આ પ્રમાણે થતું હોય છે. એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ ચૂંટણી કેન્દ્રો પર ટોળાને નિયંત્રણમાં રાખવા તેમજ અન્ય કામમાં મદદરૂપ થતા હોય છે. અમે નવમાંથી બારમા ધોરણના વિદ્યાર્થીઓની યાદી ચૂંટણી પંચને સુપરત કરીશું.
જોકે, એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી ચેતવણી મળી હોવાથી એની વિદ્યાર્થીઓના આરોગ્ય પર માઠી અસર થઈ શકે છે એવી દલીલ કરી નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે.