ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર…

મુંબઈ: ગઢચિરોલી જિલ્લામાં માથે 36 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા પાંચ નક્સલવાદીને પકડી પાડવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ પોલીસના સી-60 કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો, વોકી ટોકી તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હોઇ પોલીસ હવે ભાગી છૂટેલા અન્ય નક્સલવાદીઓની શોધ ચલાવી રહી છે.
મહારાષ્ટ્ર-છત્તીસગડ સીમા પર પોસ્ટે કવંડેની હદમાં કેટલાક નક્સલવાદીઓ પોલીસ જવાનો પર હુમલો કરવાને ઇરાદે એકઠા થયા હોવાની માહિતી મળ્યા બાદ એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એમ. રમેશના નેતૃત્વ હેઠળ પોલીસના સ્પેશિયલ સી-60 કમાન્ડોની 12 ટીમ (300 કમાન્ડો) અને સીઆરપીએફના જવાનોને ગુરુવારે બપોરના મુશળધાર વરસાદ વચ્ચે કવંડે તથા નેલગુંડાથી ઇન્દ્રાવતી નદીના કાંઠા નજીકના વિસ્તારમાં રવાના કરાયા હતા.
દરમિયાન શુક્રવારે સવારે ઉપરોક્ત વિસ્તારને ઘેરી લીધા બાદ પોલીસ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું ત્યારે નક્સલવાદીઓએ સી-60 કમાન્ડો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ ટીમે પણ વળતા જવાબમાં નક્સલવાદીઓ પર ગોળીબાર કર્યો હતો. બે કલાક સુધી વચ્ચે વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો હતો.
બાદમાં પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં શોધ ચલાવવામાં આવતાં ચાર નક્સલવાદીના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ઑટોમેટિક સેલ્ફ-લોડિંગ રાઇફલ, બે પોઇન્ટ 303 રાઇફલ, એક ભરમાર ગન, વોકી ટોકી જપ્ત કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ગઢચિરોલી જિલ્લાના ભામરાગડ પાસે બિનાગુંડા ગામ અને જંગલ પરિસરમાં સોમવારે કોમ્બિંગ ઑપરેશન હાથ ધરી ત્રણ મહિલા સહિત પાંચ નક્સલવાદીને પકડી પાડ્યાં હતાં. પોલીસે ઘટનાસ્થળેથી ઘાતક શસ્ત્રો જપ્ત કર્યાં હતાં. પકડાયેલી ત્રણેય મહિલાની ઓળખ ઉંગી મંગરુ હોયામ, પલ્લવી કેસા મીડિયમ અને દેવે કોસા પોડિયામ તરીકે થઇ હતી.
આપણ વાંચો : ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત