નવાબ મલિકના જમાઈ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ

મુંબઇઃ ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકના જમાઈ, સમીર ખાનનો ભયંકર અકસ્માત થયો છે. અકસ્માતમાં સમીર ખાન ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ખાનને માથામાં ઈજા થઈ છે. અકસ્માત સમયે નવાબ મલિકની પુત્રી અને ખાનની પત્ની નિલોફર પણ કારમાં હતી. તેના હાથ પર પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે.
એમ માનવામાં આવી રહ્યું છે કે કાર ચલાવતી વખતે ડ્રાઈવરનો પગ બ્રેકની જગ્યાએ એક્સીલેટર પર પડ્યો હતો, જેને કારણે આ અકસ્માત થયો હતો. આ કેસમાં પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નવાબ મલિકની પુત્રી નિલોફર અને જમાઈ સમીર ખાન બંને તેમના ઘરની નજીક આવેલી ક્રિટી કેર હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ માટે ગયા હતા. ચેકઅપ બાદ બંને હોસ્પિટલની બહાર આવ્યા હતા અને સમીર ખાને ડ્રાઈવરને ફોન કરીને કાર લાવવા કહ્યું હતું, પરંતુ કાર લાવતી વખતે ડ્રાઈવરનો પગ બ્રેકને બદલે એક્સીલેટર પર આવી ગયો અને થાર કારે સમીર ખાનને ટક્કર મારી દીધી હતી, જેમાં સમીર ખાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હાલ આઈસીયુમાં છે અને તેમના થોડા સમય માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. નવાબ મલિકની પુત્રી નિલોફર મલિક પણ આ દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાનું તેના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું.
આ અકસ્માતમાં સમીર ખાનને માથા અને ચહેરા પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. કારના ચાલકે કારનું એક્સીલેટર દબાવ્યું હતું, જેથી કારની ઝડપ વધી ગઇ અને કારે સમીર ખાનને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરને કારણે તેઓ થોડે દૂર ફેંકાઈ ગયા હતા. કાર આગળ વધી અને HDIL કોલોનીની દિવાલ સાથે અથડાઈ હતી. ત્યાં ઊભેલી બાઇકોને પણ કારે કચડી નાખી હતી. આ મામલામાં પોલીસે કાર ચાલક અબુલ અન્સારીની અટકાયત કરી છે. તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે NCB દ્વારા ડ્રગના કેસમાં નવાબ મલિકના જમાઈ, સમીર ખાનની ધરપકડ કરવામાં આવી હતી.