પીએમએલએ કેસમાં પોતાને નિર્દોષ ગણાવ્યા બાદ કોર્ટે નવાબ મલિક વિરુદ્ધ આરોપો ઘડ્યા

મુંબઈ: વિશેષ કોર્ટે મંગળવારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિક સામે ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતોની પ્રવૃત્તિઓ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં આરોપો ઘડ્યા હતા, જેનાથી ટ્રાયલનો માર્ગ મોકળો થયો હતો.
નવાબ મલિક અને અન્ય આરોપીઓએ પોતાના નિર્દોષ ગણાવ્યા બાદ સાંસદો/વિધાનસભ્યોના કેસ માટેના વિશેષ જજ સત્યનારાયણ નાવંદરે તેમની સામે આરોપ ઘડ્યા હતા અને વાંચી પણ સંભળાવ્યા હતા.
આપણ વાચો: દાઉદ સાથે જોડાયેલો પીએમએલએ કેસ: નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત ફર્મની ડિસ્ચાર્જ અરજી ફગાવી
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના નેતા અને તેમના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત કંપનીઓ આ કેસમાં આરોપી છે. તમામ આરોપીઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કાયદાની સંબંધિત જોગવાઇઓ હેઠળ ટ્રાયલનો સામનો કરશે.
નવાબ મલિક સામેનો ઇડીનો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બધડાકાના મુખ્ય આરોપી અને ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમ તથા તેના સહયોગીઓ સામે અનલોફૂલ એક્ટિવિટીસ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ દાખલ કરાયેલા એફઆઇઆર પર આધારિત છે.
ઇડીએ ફેબ્રુઆરી, 2022માં આ કેસ પ્રકરણે નવાબ મલિકની ધરપકડ કરી હતી. નવાબ મલિક હાલમાં સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા જામીન પર છે. (પીટીઆઇ)



