લાંચના કેસમાં સીબીઆઈએ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી...
આમચી મુંબઈ

લાંચના કેસમાં સીબીઆઈએ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) ફરિયાદી પાસેથી સાડાચાર લાખ રૂપિયાની કથિત લાંચ માગવા અને સ્વીકારવા બદલ નેવીના જુનિયર એન્જિનિયરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ડી. સી. પાંડે તરીકે થઈ હતી. પાંડેને શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને નવમી જૂન સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારી હતી.

લેખિત ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુરુવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીની કંપની દ્વારા કરવામાં આવેલાં કામોનાં બિલ પેન્ડિંગ હતાં. આ બિલ ક્લીયર કરવા માટે આરોપીએ 5.5 લાખ રૂપિયાની કથિત લાંચ માગી હતી. તડજોડ પછી આરોપીએ 4.50 લાખ રૂપિયા સ્વીકારવાનું નક્કી કર્યું હતું, એમ ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદને આધારે સીબીઆઈએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું. સાડાચાર લાખ રૂપિયા સ્વીકારનારા પાંડેને અધિકારીઓએ રંગેહાથ પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપીના મુંબઈ અને રૂરકી સ્થિત નિવાસસ્થાન અને કામના સ્થળે સર્ચ પણ હાથ ધરી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીનું કહેવું છે.

Back to top button