આમચી મુંબઈ

Navratri હશે ભીની-ભીની:

નૉમે ચોમાસું વિદાય લેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લું આખું અઠવાડિયું મુંબઈગરાને હેરાન કરી નાખનારો વરસાદ નવરાત્રિમાં પણ પીછો છોડવાનો નથી. આવતા અઠવાડિયાથી શરૂ થનારી નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડવાનો છે. હવામાન ખાતાના કહેવા મુજબ આવતા અઠવાડિયામાં ફરી વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડવાનો છે. જોકે આ વરસાદની સાથે જ ચોમાસું વિદાય લઈ જશે. આ દરમિયાન હવામાન ખાતાના આંકડા મુજબ આ વર્ષે ચોમાસાના છેલ્લા ચાર મહિનામાં પડેલો કુલ ૩,૦૬૮ મિ.મી. વરસાદ છેલ્લા ત્રણ વર્ષનો સૌથી વધુ વરસાદ છે.

મુંબઈમાં સપ્ટેમ્બર મહિનો લગભગ સૂકો રહ્યા બાદ છેલ્લા અઠવાડિયામાં વરસાદ સક્રિય થયો હતો, જેમાં સોમવાર ૨૩ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ રહ્યો હતો. તેમાં પણ ૨૩ સપ્ટેમ્બરથી શરૂ થયા બાદ માત્ર પાંચ દિવસમાં ૨૭ સપ્ટેમ્બરની વચ્ચે ૩૯૩ મિ.મી. વરસાદ પડ્યો છે, જે મહિનાના સરેરાશ ૩૫૯.૬ મિ.મી. વરસાદને વટાવી ગયો હતો. આખું અઠવાડિયું વરસાદ પડયા બાદ વરસાદે પોરો ખાધો છે. પરંતુ આવતા અઠવાડિયામાં નવરાત્રી ચાલુ થવાની સાથે જ વરસાદ પણ ફરી એન્ટ્રી કરે એવી શક્યતા છે.

હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ દેશમાં ચોમાસું પાછું ખેંચવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં મુંબઈમાં સામાન્ય રીતે સત્તાવાર રીતે આઠથી ૧૦ ઑક્ટોબર વચ્ચે ચોમાસું વિદાય લેતું હોય છે. ચોમાસું વિદાય લેવાનું હોય ત્યારે વાતાવરણમાંથી ભેજ ખેંચાતો હોય છે અને પવનોની દિશા પણ નૈર્ઋત્યથી બદલાઈની ઈશાન થઈ જતી હોય છે. હાલ વાતાવરણમાં હજી પણ ભેજનું પ્રમાણ જણાઈ રહ્યું છે. આવતા અઠવાડિયામાં ફરી એક વખત વીજળીની ગડગડાટ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ ૧૦ ઑક્ટોબરની આસપાસ એટલે કે નોમે ચોમાસું મુંબઈમાંથી વિદાય લેશે. જોકે ત્યારબાદ એકાદ બે દિવસ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

આ દરમિયાન હવામાન ખાતાએ આપેલા આંકડા મુજબ મુંબઈમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનામાં અત્યાર સુધી ૩,૦૬૮ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૨,૯૭૮.૩ મિ.મી. અને ૨૦૨૨માં ૨,૬૫૮૩.૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ચોમાસાના ચાર મહિનામાંથી બે મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં આ વર્ષે મોસમનો કુલ વરસાદ વધુ રહ્યો છે.

આ વર્ષે જૂન મહિનામાં ૩૪૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય સરેરાશ કરતા ૫૩૭.૧ મિ.મી. કરતા ઓછોે હતો, જ્યારે ઑગસ્ટમાં ૫૩૭.૧ મિ.મી. સરેરાશ કરતા ઓછો ૩૮૨.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તેનાથી વિપરીત જુલાઈ મહિનામાં શહેરમાં ૧,૭૦૨.૩ મિ.મી. સાથે બમ્પર વરસાદ નોંધાયો હતો. જે તેના સરેરાશ ૮૫૫.૭ મિ.મી. કરતા ઘણો વધુ હતો. સપ્ટેમ્બર મહિનામાં પણ સરેરાશનો આંકડો વરસાદ વટાવી ગયો છે, જેમાં અત્યાર સુધીમાં ૬૩૭ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે મહિનાના સરેરાશ ૩૫૯.૬ મિ.મી. કરતા ઘણો વધુ છે. મહિનો પૂરો થવામાં હજી બે દિવસ બાકી છે, ત્યારે તેમાં થોડો હજી વધારો થવાની શક્યતા છે. શનિવારે સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૩૧ મિ.મી. અને ૫૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ