ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદનું ગ્રહણ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદનું ગ્રહણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું શનિવારથી ફરી સક્રિય થયું છે. મુંબઈ સહિતના પડોશી શહેર થાણે અને નવી મુંબઈમાં શનિવાર મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડયો હતો, તેમાં પણ મોડી રાતના ત્રણ કલાક દરમ્યાન ભારે વરસાદ રહ્યો હતો.

જોકે રવિવારના દિવસના સમયે વરસાદના માત્ર છૂટાછવાયા ઝાપટાં જ પડ્યા હતા. આ દરમ્યાન આવતા અઠવાડિયામાં બંગાળના ઉપસાગરમાં ફરી લો પ્રેશરની શક્યતા નિર્માણ થઈ હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતા છે.

આપણ વાંચો: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું: 142 તાલુકામાં વરસાદ નોંધાયો…

મુંબઈમાં શનિવાર આખો દિવસ વરસાદના હળવાથી મધ્યમ વરસાદ રહ્યા બાદ મોડી રાતથી જોરદાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા મુજબ સાંતાક્રુઝમાં શનિવાર, ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સવારના ૮.૩૦ વાગ્યાથી ૧૪ સપ્ટેમ્બર, રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકના સમયગાળામાં ૮૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તેમાંથી ૬૧ મિ.મી. જેટલો વરસાદ તો રાતના માત્ર ૧૧.૩૦ વાગ્યાથી મોડી રાતના ૨.૩૦ વાગ્યા સુધીના ત્રણ કલાકમાં જ નોંધાયો હતો. જોકે તેની સામે દક્ષિણ મુંબઈમાં બિલકુલ વરસાદ નહોતો પડયો હતો.

મુંબઈમાં શનિવાર મોડી રાતના ભારે વરસાદ રહ્યો હતો. જોકે વરસાદનું જોર માત્ર પૂર્વ ઉપનગર અને પશ્ર્ચિમ ઉપનગરમાં રહ્યું હતું. દક્ષિણ મુંબઈમાં નહીંવત વરસાદ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાંતાક્રુઝમાં રવિવાર સવાર સુધીમાં સરેરાશ ૮૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે કોલાબા અને ભાયખલા વિસ્તારમાં અનુક્રમે ૧૯.૪ મિ.મી. અને ૧૫.૫ મિ.મી. સરેરાશ વરસાદ નોંધાયો હતો. ઉપનગરમાં વરસાદને પગલે ઝાડ અને ઘરની દીવાલ તૂટી પડવાના બનાવ નોંધાયા હતા.

મુંબઈમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની ગેરહાજરીમાં ગરમી અને ઉકળાટ વધી ગયો હતો. જોકે શનિવારથી ફરી વરસાદ ચાલુ થયો છે. હવામાન વિભાગે ૧૫ સપ્ટેમ્બર માટે વાવાઝોડા, વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આપણ વાંચો: વરસાદ વિકએન્ડ બગાડશે:મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય

નવરાત્રીમાં વરસાદનું ગ્રહણ
વાયવ્ય અને તેને લાગીને મધ્ય બંગાળના ઉપસાગરમાં શુક્રવારે ઓછો દબાણનો પટ્ટો નિર્માણ થયો છે. આ પટ્ટો આગામી બે દિવસમાં દક્ષિણ ઓડિસા અને દક્ષિણ છત્તીસગઢ તરફ સરકવાની શક્યતા છે. લો પ્રેશરને કારણે ૧૫ સપ્ટેમ્બર સુધી મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ રિજન (મુંબઈ)માં વરસાદની શક્યતા છે. લો પ્રેશરની સાથે જ બંગાળના ઉપસાગરમાં ૨૦ સપ્ટેબર દરમ્યાન વધુ એક લો પ્રેશર નિર્માણ થવાની શક્યતા છે. તેને કારણે બરોબર નવરાત્રીના સમયમાં ફરી વરસાદનું જોર વધવાની શક્યતા છે.

મુંબઈમાં સરેરાશ ૯૭ ટકા વરસાદ
આ વર્ષે ચોમાસાનું આગમન સામાન્ય કરતા વહેલું એટલે કે ૨૪ મેના જ થઈ ગયું હતું. જોરદાર એન્ટ્રી કર્યા બાદ જોકે જૂન મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યુંં હતું. બાદમાં જુલાઈમાં અને ઑગસ્ટમાં નોંધપાત્ર વરસાદ રહ્યો હતો. હવામાન ખાતાએ આપેલા આંકડા મુજબ મુંબઈમાં મોસમનો સરેરાશ અત્યાર સુધી ૯૭.૧૧ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો કોલાબામાં અત્યાર સુધી ૧,૭૧૯.૬ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૨,૭૧૩.૧ મિ.મી. વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય
દેશમાં ૧૫ સપ્ટેમ્બરથી નૈર્ઋત્યનું ચોમાસું તબક્કાવાર વિદાય લેવાની શરૂઆત કરશે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે, જેમાં પશ્ર્ચિમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થશે. તો મહારાષ્ટ્રમાં પાંચથી ૧૪ ઑક્ટોબર દરમ્યાન ચોમાસું વિદાય લેશે. મુંબઈમાં સામાન્ય રીતે ૧૦થી ૧૧ ઑક્ટોબરની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે.


જળાશયોમાં ૯૮ ટકા પાણીનો જથ્થો
મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં રવિવાર, ૧૪ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ૧૪,૨૮,૬૧૨ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો જમા થઈ ગયો હતો, જે ૯૮.૭૦ ટકા જેટલો છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૧૪,૨૬,૪૮૬ મિલ્યન લિટર અને ૨૦૨૩ની સાલમાં જળાશયોમાં ૧૪,૦૫,૧૮૯ મિલ્યન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરના જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો આવશ્યક છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button