નવી મુંબઈમાં સાત કન્સ્ટ્રકશન સાઈટ સીલ…

વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા ડેવલપરો સામે પાલિકાની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં મોટા પાયા પર કન્સ્ટ્રકશનના કામ ચાલી રહ્યા છે જ્યાં વાયુ પ્રદૂષણના નિયમોનું પાલન ફરજિયાત હોવા છતાં અનેક જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું હતુંં. તેથી ગયા અઠવાડિયામાં ઐરોલીમાં કન્સ્ટ્રકશન સાઈટ સીલ કર્યા બાદ તુર્ભેમાં વાયુ અને ધૂળ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરી રહેલી સાત કન્સ્ટ્રકશન સાઈટને નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે.
નવી મુંબઈ મહાનગરપાલિકામાં તુર્ભે વિસ્તાર અંતર્ગત હાઈ કોર્ટે જાતે દખલ લઈને (સુઓ મોટો) જનહિતની અરજીમાં ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ના આપેલા આદેશ મુજબ શહેરમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને તાત્કાલિક રોકવા માટે ઉપાયયોજના અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે, તેના અનુસંધાનમાં નવી મુંબઈ મહાનગરપાલિકા હદમાં બાંધકામ ચાલી રહ્યું છે એવા સ્થળે ચાલી રહેલા કામને કારણે થતા ધ્વની પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને બ્લાસ્ટિંગ માટે સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસેજર(એસઓપી)ને અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ દરમ્યાન બાંધકામની સાઈટ પર થનારા વાયુ અને ધ્વની પ્રદૂષણને માટે દંડાત્મક કાર્યવાહી બાબતે ડેવલપરોને ચેતવવામાં આવ્યા હતા. તેમ જ ધ્વની અને વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે આવશ્યક ઉપાયયોજના અમલમાં મૂકીને કામ કરો અથવા બાંધકામને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે એ પ્રકારની ચેતવણી પણ ડેવલપરો આપવામાં આવી હતી.
પાલિકાની ચેતવણી અને નોટિસને નહીં ગણકારતા ડેવલપરો દ્વારા કન્સ્ટ્રકશન સાઈટ પર એસઓપીને અમલમાં નહીં મૂકતા કામ ચાલુ જ રાખ્યું હોવાનું ગયા અઠવાડિયે નવી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર કૈલાશ શિંદે સાઈટ વિઝિટ દરમ્યાન જણાઈ આવ્યું હતું. તેથી પાલિકા દ્વારા ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ના નવી મુંબઈના સાનપાડામાં પાંચ જગ્યાએ કન્સ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી હતી. ૨૯ જાન્યુઆરીના બે જગ્યાએ સાઈટ સીલ કરવામાં આવી હતી.



