નવી મુંબઈ પાલિકા આક્રમકઃ ૩,૦૦૦ ગ્રાહકના વોટર કનેક્શનમાં લાગશે તાળાં

તુર્ભે: નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા, પાણીના બિલની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત નોટિસ આપવા છતાં પાણીનું બિલ ન ભરનારા બાકી ગ્રાહકોના નળ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા હોવાનું એડિશનલ સિટી એન્જિનિયર મનોજ પાટીલે જણાવ્યું હતું.
નવી મુંબઈ મહાનગરપાલિકાના નાગરિકોને મોરબી ડેમમાંથી ૩૮૩ મિલિયન લીટર તેમજ એમઆઇડીસીમાંથી ૬૮ મિલિયન લીટર પાણી, કુલ ૪૫૧ મિલિયન લીટર પાણી દરરોજ આપવામાં આવે છે.
ડેમના પાણીને શુદ્ધ કરવા અને સીબીડીથી દિઘા સુધીના વિસ્તારને પાણી પહોંચાડતી પાઈપલાઈન દ્વારા આ પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેની સરખામણીમાં નવી મુંબઈમાં તમામ ગ્રાહકો પાસેથી પાણીના બિલની નાની રકમ વસૂલવામાં આવી રહી હોવા છતાં કેટલાક ગ્રાહકો તેમના પાણીના બિલ ભરવાનું ટાળે છે અથવા તેમને મહિનાઓ સુધી પેન્ડિંગ રાખે છે.
આથી બે મહિનાના બિલ બાકી રાખનારાઓનો પાણી પુરવઠો વિભાગ દ્વારા કાપી નાખવામાં આવશે. હાલમાં જે ૨,૮૯૨ ગ્રાહકોએ પાણીના બિલ ભર્યા નથી તેમને તેમના નળના જોડાણ કાપી નાખવાની નોટિસ ફટકારવામાં આવી છે.
આ ગ્રાહકો પાસે રૂ. ૨૭ કરોડ ૪૧ લાખના પાણીના બિલ બાકી હતા. નોટિસ ફટકાર્યા બાદ પાણી બંધ થઈ જશે તે વાતને ધ્યાનમાં રાખીને સેંકડો ગ્રાહકોએ તુરંત જ ઓનલાઈન અને ઓફલાઈન બિલ ભરીને પાલિકાના કર્મચારીઓને આપ્યા હતા. દરમિયાન પાણીના બિલ ન ભરનારા ૩૭૦ લોકોના નળના જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી કુલ ૧ કરોડ ૫૨ લાખ રૂપિયાનું પાણીનું બિલ વસૂલ કરવામાં આવ્યું હતું.