નવી મુંબઈના ફ્લૅટમાં વૃદ્ધ માતા-પુત્રના મૃતદેહ મળ્યા: બે શખસ વિરુદ્ધ હત્યાનો કેસ
થાણે: નવી મુંબઈના કામોઠે પરિસરમાં એક ફ્લૅટમાંથી વૃદ્ધા અને તેના પુત્રના મૃતદેહ મળી આવ્યાના બીજે દિવસે પોલીસે બે અજાણ્યા અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. કામોઠે પોલીસના જણાવ્યા મુજબ બુધવારની સાંજે ગીતા ભૂષણ જગ્ગી (70) અને જિતેન્દ્ર (45)ના મૃતદેહ કામોઠે સેક્ટર-6ની ડીમ હાઉસિંગ સોસાયટીમાં આવેલા તેમના ફ્લૅટમાંથી મળી આવ્યા હતા. પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધી બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બે અજાણ્યા શખસ જિતેન્દ્ર સાથે સોસાયટીમાં આવ્યા હતા. બન્ને જણે ભારે વસ્તુથી માતા-પુત્ર પર હુમલો કર્યો હતો, જેમાં માતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં.
ગીતા જગ્ગીના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે બે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 અને 3(5) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
Also read: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે
પોલીસે અગાઉ જણાવ્યું હતું કે અમુક સગાંસંબંધી વૃદ્ધાને મળવા બુધવારની સાંજે કામોઠે આવ્યાં હતાં. જગ્ગીના ફ્લૅટનો દરવાજો અંદરથી લૉક હતો. વારંવાર ખટખટાવ્યા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહોતો અને અંદરથી કોઈ પ્રત્યુત્તર પણ મળ્યો નહોતો. શંકાને પગલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડે દરવાજો તોડતાં ફ્લૅટમાંથી મૃતદેહ મળ્યા હતા. પોલીસ પહોંચી ત્યારે આખા ફ્લૅટમાં રાંધણ ગૅસ ફેલાયેલો હોવાનું જણાયું હતું. (પીટીઆઈ)