નવી મુંબઈમાં મૅયર પદ માટે ગણેશ નાઈક અને એકનાથ શિંદે ફરી સામ-સામે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિનાના નેજા હેઠળ સંયુક્ત રીતે સરકાર ચલાવી રહેલા ભાજપ અને શિવસેના (શિંદે) વચ્ચે અનેક મહાનગરપાલિકામાં મૅયર અને ડેપ્યુટી મૅયરપદને લઈને રિસામણા-મનામણા જોવા મળ્યા છે, જેમાં એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણે મહાનગરપાલિકામાં શિંદે સેનાનો મેયર બન્યા બાદ હવે નવી મુંબઈમાં ભાજપના નેતા ગણેશ નાઈકના સામ્રાજ્યને નેસ્તનાબુત કરવાના શિંદેસેનાએ મનસુબો રાખ્યો છે. નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને નેતાઓએ એકીબીજા સામે બાખડયા બાદ હવે મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ભાજપ અને શિવસેના બંનેના ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ભર્યા છે. આગામી પાંચ ફેબ્રુઆરીએ નવી મુંબઈ મહાનગરપાલિકામાં મૅયર પદ માટે ચૂંટણી થવાની છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં વનપ્રધાન ગણેશ નાઈક અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે નવી મુંબઈમાં વર્ચસ્ચ મેળવવા માટે એકબીજા સામે થયેલી જોરદાર આક્ષેપબાજી બાદ હવે ફરી એક વખત મૅયર પદને લઈને બંને જણ સામ-સામે થઈ ગયા છે. રવિવારે નવી મુંબઈ મહાનગરપાલિકામાં મૅયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવારી દાખલ કરવામાં આવી હતી, જેમાં ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરેલા ભાજપની સાથે જ શિંદેસેનાના નગરસેવકોએ પણ ઉમેદવારીપત્રક ભર્યા હતા.
નવી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકબીજાનું અસ્તિત્વ નવી મુંબઈમાંથી ખતમ કરી નાખવા સુધીની ઉગ્ર બોલાચાલી બાદ ચૂંટણીના પરિણામ પછી વિવાદ શાંત પડી ગયો હોવાનું જણાતું હતું. જોકે હવે વનપ્રધાન ગણેશ નાઈક અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નવી મુંબઈ મહાનગરપાલિકામાં મૅયર અને ડેપ્યુટી મૅયરને લઈને ફરી સામ-સામે થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું છે.
નવી મુંબઈ મહાનગરપાલિકામાં કુલ ૧૧૧ નગરસેવક હોઈ ચૂંટણીના પરિણામ બાદ ભાજપ પાસે ૬૫ પ્લસ એક અપક્ષ એક કુલ ૬૬ નગરસેવકનું સંખ્યા બળ છે. તેમની પાસે બહુમતી હોવાથી સ્વભાવિક રીતે પાલિકામાં બહુમતીને આધારે તેમનો જ મેયર બનશે. ચૂંટણી સ્વબળે લડીને ગણેશ નાઈકે નવી મુંબઈમાં તેમનું જ રાજકીય જોર હોવાનું સાબિત કરી દીધું હતું. ભાજપનો મેયર બનશે એ નક્કી હોવા છતાં ગણેશ નાઈકના સામ્રાજ્યને પડકારવાના ઈરાદે એકનાથ શિંદેની સેનાએ નવી મુંબઈ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મૅયર પદ માટે ભાજપના ઉમેદવાર સામે તેમનો ઉમેદવાર ઊભો રાખીને સત્તાના સમીકરણો બદલાવાના પ્રયાસ શિંદેસેના કરી રહી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. શિંદે સેના પાસે ૪૨ નગરસેવક છે. તો શિવસેના (યુબીટી) પાસે બે અને મનસે પાસે એક નગરસેવક છે. બહુમત માટે ૫૬નો આંકડો ભાજપ પાસે છે.
નવી મુંબઈમાં મૅયર પદ મહિલા માટે અનામત છે. શિંદે સેનામાંથી સરોજ પાટીલે મૅયર પદ માટે તો આકાશ મડવીએ ડેપ્યુટી મૅયર પદ માટે અરજી દાખલ કરી છે. તો ભાજપ તરફથી નગરસેવિકા સુજાતા પાટીલે મૅયર પદ અને દશરથ ભગતે ડેપ્યુટી મૅયર પદ માટે ઉમેદવારી દાખલ કરી હતી. આગામી પાંચ ફેબ્રુઆરીના થનારી સામાન્ય સભામાં મેયરની ચૂંટણી થશે.



