ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવતા આરોપીઓના બિલ્ડર પિતાએ પોતાને ગોળી મારી લીધી…
ફરાર બન્ને પુત્ર સંબંધી પૂછપરછ માટે એનસીબી અને પોલીસના સમન્સથી પિતા માનસિક તાણમાં હતો

મુંબઈ: નવી મુંબઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા આરોપીના પિતાએ પોતાના જ લમણે ગોળી મારી લીધી હતી. ફરાર બન્ને પુત્ર સંબંધી પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને બેલાપુર પોલીસ દ્વારા વારંવાર સમન્સ મોકલવામાં આવતા હોવાથી માનસિક તાણમાં પિતાએ જીવન ટૂંકાવ્યું હોવાનો દાવો પરિવારજનોએ કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સવારે 6.30 વાગ્યા પછી નવી મુંબઈના બેલાપુર ફોર્ટ નજીક બની હતી. બિલ્ડર ગુરુનાથે ચિચકર (50) બેલાપુર ફોર્ટ નજીક કિલ્લે ગાંવઠણ ખાતેની એક સોસાયટીના ચોથા માળે રહેતો હતો અને એ જ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર તેની ઑફિસ આવેલી છે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઑફિસમાં જઈ રહ્યો હોવાનું પત્નીને કહી ચિચકર સવારે 6.30 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ખાસ્સો સમય વીત્યા છતાં ચિચકર ઘરે પાછો ન ફરતાં પત્નીને આશ્ર્ચર્ય થયું હતું. પતિને જોવા માટે તે ઑફિસે પહોંચી ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. ઑફિસમાં ચિચકર લોહીના ખાબોચિયામાં પડ્યો હતો અને પિસ્તોલ પર તેની પાસે પડી હતી. ડરી ગયેલી પત્નીએ તાત્કાલિક તેના ભાઈને જાણ કરી હતી. ભાઈએ પોલીસને ઘટનાની જાણ કરતાં એનઆઈઆઈ સાગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેભાન ચિચકરને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી મળેલી પિસ્તોલ અને ઑફિસનું કમ્પ્યુટર તપાસ માટે તાબામાં લીધું હતું. ચિચકરે આત્મહત્યા માટે જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તે તેની લાઈસન્સવાળી પિસ્તોલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી, જે ચિચકરે માતાને ઉદ્દેશીને લખી હતી. સુસાઈડ નોટમાં એનસીબી અને બેલાપુર પોલીસ દ્વારા પૂછપરછ માટે વારંવાર પાઠવવામાં આવતા સમન્સથી બિલ્ડર માનસિક તાણમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ચિચકરના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બે પુત્ર નવીન અને ધીરજની ડ્રગ્સ સિન્ડિકેટમાં સંડોવણી સામે આવ્યા પછી એનસીબી દ્વારા પૂછપરછ માટે મોકલાયેલા સમન્સને કારણે છેલ્લા એકાદ મહિનાથી ચિચકર માનસિક તાણમાં હતો. એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટે ગયા મહિને ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. ચિચકરનો મોટો પુત્ર નવીનમાં વધુ અભ્યાસ માટે લંડન ગયો હતો. ત્યાં ડ્રગ્સ સિન્ડિકેટના સંપર્કમાં આવ્યો હોવાનું કહેવાય છે. એનસીબીએ પર્દાફાશ કરેલા ડ્રગ કાર્ટેલનો મુખ્ય આરોપી નવીન હોવાનું માનવામાં આવે છે.
એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટ અનુસાર ઑસ્ટેલિયાથી કોકેઈન અને ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો વેચનારા આ કાર્ટેલે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં મોકલાવ્યું હતું. ઍર કાર્ગોથી ડ્રગ્સ મુંબઈ લાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે ચિચકરનો નાનો પુત્ર ધીરજ પણ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં જણાયું હતું. નવી મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમે તાજેતરમાં કરેલી કાર્યવાહીમાં ધીરજનું નામ સામે આવ્યું હતું.
આપણ વાંચો : નાગપુરના વેપારી, પુત્રએ દંડથી બચવામર્સિડીઝ પર નકલી નંબર પ્લેટ લગાવી…