આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દેશના આર્થિક પાટનગર મુંબઈ બાદ હવે નવી મુંબઈમાં પણ કોસ્ટલ રોડ યોજના હાથ ધરવામાં આવી છે. સિડકો (સીટી એન્ડ ઈન્ડિસ્ટ્રિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર)એ ખારઘર-સીબીડી બેલાપુર કોસ્ટલ રોડ અને ઉલવે કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ બંને રોડ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને સીમલેસ ક્નેક્ટિવિટી પૂરી પાડવાની સાથે જ ટ્રાફિકને ઓછો કરવામાં મદદરૂપ થશે.

ખારઘર-સીબીડી બેલાપુર કોસ્ટલ રોડ ૧,૦૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ કોસ્ટલ રોડથી બંને ઉપનગર વચ્ચેની મુસાફરીનો સમય હાલનો ૩૦થી ૪૦ મિનિટનો છે, તેમાં મોટા ઘડાટો થવાની શકયતા છે. આ કોરિડોર ૩૦ મીટર પહોળો અને ૯.૬૭૮ કિલોમીટર લાંબો હશે, જેમાંથી ૬.૯૬ કિલોમીટરનો નવો રસ્તો હશે તો હાલના રસ્તાનો ઉપયોગ આ કોરિડોરમાં કરવામાં આવશે.

આ રોડ ખારઘરમાં સેકટર-૧૬માં જલમાર્ગથી શરૂ થશે અને ખારઘર રેલવે સ્ટેશન પાસેથી પસાર થશે અને નેરુલમાં ડીપીએસ પાસે પૂરો થશે, જે પામ બીચ રોડને જોડે છે. સિડકોના અધિકારીએ જણાવ્યું હતું સાયન-પનવેલ એક્સપ્રેસ પર એક ઈન્ટરચેન્જ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એપોર્ટ સુધી સીમલેસ એક્સેસ પૂરું પાડશે અને નવી મુંબઈના સૌથી વ્યસ્ત રોડ પરના ટ્રાફિકના દબાણને ઘટાડવામાં મદદ મળશે.

આ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. બાંધકામની શરૂઆત ૨૦૨૬ની શરૂઆતમાં થવાની ધારણા છે અને કામ ૨૦૨૮ના અંતમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. છ લેનના સાત કિલોમીટર લાંબા ઉલ્વે કોસ્ટલ રોડનું કામ ૬૦ ટકા સુધી થઈ ગયું છે અને ૨૦૨૬ના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

લગભગ ૧,૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા આ પ્રોજેક્ટમાં ૫.૮ કિલોમીટરનો કોસ્ટલ સેકશન અને ૯૦૩ મીટરનો એલિવેટેડ એરપોર્ટ લિંક રોડનો સમાવેશ થાય છે, જે અટલ સેતુથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી સીધો ટ્રાફિક સિગ્નલ મુક્ત પ્રવેશની સુવિધા ઉપલબ્ધ કરશે.

અધિકારીના જણાવ્યા મુજબ આ કોરિડોર આમરા માર્ગ અને નેશનલ હાઈવે ૩૪૮ને બાયપાસ કરશે, જેનાથી દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીનો મુસાફરીનો સમય ૨૫ મિનિટ સુધી ઘટશે. તે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) અને નવી મુંબઈ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન સાથે ક્નેક્ટિવિટીને પણ મજબૂત બનાવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button