નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાં લૂંટ: ઉદયપુરમાં ચાર પકડાયા

થાણે: નવી મુંબઈમાં ગોળીબાર કરી જ્વેલર્સની દુકાનમાંથી 11.80 લાખ રૂપિયાના દાગીના લૂંટવાના કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ચાર આરોપીની ધરપકડ કરી હતી.
નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રિઝવાન મોહમ્મદ અલી શેખ (27), અઝરુદ્દીન હુસેનીદ્દીન શેખ (28), તહા તનવીર પરવેઝ સિંધી (21) અને રાજવીર રામેશ્ર્વર કુમાવત (20) તરીકે થઈ હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, ત્રણ કારતૂસ, બે મૅગેઝિન, ગુનામાં વપરાયેલી એક બાઈક અને અમુક દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે ખારઘરમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં 29 જુલાઈની રાતે 10 વાગ્યાની આસપાસ લૂંટની ઘટના બની હતી. આરોપીઓ હેલ્મેટ પહેરીને આવ્યા હતા. દુકાનમાં ગોળીબાર કરીને 11.80 લાખની કિંમતના દાગીનાની લૂંટારાઓએ લૂંટ ચલાવી હતી. ગોળીબારનો અવાજ સાંભળી દુકાન બહાર એકઠા થયેલા લોકોને ડરાવવા આરોપીએ બહાર પણ ગોળીબાર કર્યો હતો.
ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની ટીમ ગુજરાતના સુરત અને રાજસ્થાનના ઉદયપુરમાં મોકલવામાં આવી હતી. એ સિવાય નજીકના નેરળ અને માથેરાન પરિસરમાં પણ શોધ હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે
ચારેય આરોપીને ઉદયપુરથી પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલામાંથી બે રિઝવાન અને અઝરુદ્દીન સુરતના વતની, જ્યારે અન્ય બે ઉદયપુરના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે. કોર્ટે ચારેય આરોપીને 22 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આરોપી અઝરુદ્દીન વિરુદ્ધ ગુજરાતમાં ચાર ગુના નોંધાયેલા છે, જેમાંથી એક એનડીપીએસ ઍક્ટ હેઠળ નોંધાયો હતો. આરોપી રિઝવાન વિરુદ્ધ પણ બે ગુના નોંધાયેલા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું