પોલીસ અને કસ્ટમ્સના અધિકારીઓની દેખરેખમાં ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ…
થાઈલૅન્ડથી વિમાનમાં થતી હતી હાઈડ્રો ગાંજાની તસ્કરી: હૉકી પ્લેયર અને આંગડિયાની પણ સંડોવણી: 10ની ધરપકડ

થાણે: નવી મુંબઈ પોલીસે કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલોની ‘મહેરબાની’થી ચાલતા ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરી 10 આરોપીની ધરપકડ કરી હતી. થાઈલૅન્ડથી હવાઈ માર્ગે તસ્કરીથી લાવવામાં આવેલું ડ્રગ્સ કસ્ટમ્સના અધિકારીઓની કથિત મિલીભગતથી શહેરમાં પસાર થતું હતું. ડ્રગ્સના વેચાણમાંથી થયેલી આવક વિદેશમાં મોકલવા તેને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરનારા આંગડિયા સહિત હૉકી પ્લેયરની પણ આ રૅકેટમાં સંડોવણી હોવાનું જણાયું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમિત કાળેએ જણાવ્યું હતું કે થાઈલૅન્ડથી તસ્કરીથી લાવવામાં આવેલા હાઈડ્રો ગાંજા સહિત અંદાજે 16.43 લાખ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. મળેલી માહિતીને આધારે નવી મુંબઈ પોલીસના એન્ટિ-નાર્કોટિક્સ યુનિટ (એએનયુ)ના અધિકારીઓએ નેરુળની એક ઈમારતના ટેરેસ ફ્લૅટ પર રેઇડ કરી હતી. 14 એપ્રિલે કરાયેલી આ કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપી આશિષ ગાવડે (22)ના ટેરેસ ફ્લૅટ પર દરોડો પાડ્યો હતો. ગાવડે સાથે તેના સાથી અહમદ ખાલીદ અલાંગી (23)ને ડ્રગ્સ ડીલ વખતે જ તાબામાં લેવાયા હતા. પૂછપરછમાં આરોપીઓએ હાઈડ્રો ગાંજા થાઈલૅન્ડથી હવાઈ માર્ગે લાવવામાં આવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ડીસીપી કાળેએ જણાવ્યું હતું કે બે વખત દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હૉકી પ્લેયર સુજિત બંગેરા અને સાહિલ લાંબે ડ્રગ્સની આયાતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું તપાસમાં જણાયું હતું. ડ્રગ્સ ઍરપોર્ટ પર આવ્યા પછી કસ્ટમ્સના સુપરિન્ટેન્ડેન્ટની સાઠગાંઠ સાથે સુપરિન્ટેન્ડેન્ટ પ્રશાંત ગૌર ફોરેન પોસ્ટ ઑફિસના માધ્યમથી તેને ઍરપોર્ટ બહાર કાઢવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
આ રૅકેટ સાથે સંકળાયેલા ખારઘર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સચિન ભાલેરાવ અને એન્ટિ-નાર્કોટિક્સ યુનિટમાં ફરજ બજાવતા સંજય ફુલેકરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને કોન્સ્ટેબલ આરોપીઓના સંપર્કમાં હોવાનું જણાયું હતું.
તપાસમાં જણાયું હતું કે ડ્રગ્સના વેચાણમાંથી થયેલી આવકને આંગડિયા અંકિત પીતાંબરભાઈ પટેલ અને રિંકુકુમાર દિનેશભાઈ પટેલ મારફત વિદેશ મોકલવામાં આવતી. આંગડિયા જ આ રકમને ક્રિપ્ટોકરન્સીમાં ક્ધવર્ટ કરતા હતા, એમ કાળેએ જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે 16.43 લાખના ડ્રગ્સ સાથે ચાર મોંઘીદાટ કાર, 14.12 લાખની રોકડ અને અન્ય સાધનસામગ્રી જપ્ત કરી હતી. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) આ કેસની તપાસ કરી રહી છે. (પીટીઆઈ)