
થાણે: શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈના 60 વર્ષના ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો હતો કે આરોપીઓએ ઑક્ટોબરમાં તેનો સંપર્ક સાધ્યો હતો અને શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતર અંગે જણાવ્યું હતું.
આરોપીઓએ ઓનલાઇન લિંક્સ પાઠવી હતી અને રોકાણ માટે રૂપિયા ડિપોઝિટ કરવા તેનો ઉપયોગ કરવાની સૂચના આપી હતી. જોકે ફરિયાદીએ જ્યારે તેના રૂપિયા અને વળતર અંગે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ તેને યોગ્ય જવાબ આપ્યો નહોતો.
આરોપીઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ રાષ્ટ્રીયકૃત બેન્કની શેર ટ્રેડિંગ વિંગ સાથે જોડાયેલા છે. ફરિયાદીએ 16 ઑક્ટોબરથી 28 નવેમ્બર દરમિયાન 58 લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
આ પણ વાંચો…સગાઈ તૂટતાં સગીરાને અશ્ર્લીલ મેસેજ મોકલનારો ગુજરાતમાં પકડાયો
ફરિયાદીના રોકાણના સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેના ખાતામાં 5.12 કરોડ રૂપિયા હતા, પણ તેઓ રૂપિયા ઉપાડી શક્યા નહોતા. બીજી તરફ આરોપીઓ પૈસા મેળવવા માટે વધુ 50.8 લાખ ચૂકવવાનું કહ્યું હતું.
આરોપીઓએ પૈસા માગવાનું ચાલુ રાખ્યું હતું, જેને પગલે ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું કે તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આથી સાયબર પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)