સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી કેસમાં રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત

નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રિયા, તેના પિતા અને ભાઈ વિરુદ્ધ જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલર નોટિસ રદ કરવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ માન્ય રાખ્યો હતો. SCના જસ્ટિસ બીઆર ગવઈ અને કે વી વિશ્વનાથનની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે આ અરજી જ નકામી હતી અને આ અરજી એટલા માટે દાખલ કરવામાં આવી હતી કારણ કે આરોપીઓ હાઇ પ્રોફાઇલ હતા.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારે તેમના મૃત્યુની તપાસની માગ કરીને કેસ દાખલ કર્યો હતો. તેમણે એવો પણ આરોપ કર્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસ સીબીઆઇ કરી રહી હતી. સીબીઆઇએ ઑગસ્ટ 2020માં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. આ નોટિસને રિયાના પરિવારે હાઇ કોર્ટમાં પડકારી હતી. બોમ્બે હાઈકોર્ટે 2020 માં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ રદ કરી હતી. જોકે, સીબીઆઇએ બૉમ્બે હાઇ કોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ પણ બૉમ્બે હાઇ કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે.
આ પણ વાંચો….વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?
14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેમના બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા, જે અંગે તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ મુંબઇ અને બિહાર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી.
સુશાંત સિંહે ટીવીની દુનિયાથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેઓ બોલિવૂડમાં પ્રવેશ્યા હતા. બોલિવૂડમાં તેમણે કેટલીક ફિલ્મો કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી.