દેશ વિરુદ્ધનું મોટું ષડ્યંત્ર નિષ્ફળ આર્મીના ૪૦ યુનિફોર્મ સાથે નાશિકના શખસની ધરપકડ
આરોપીના તાર દિલ્હી અને રાજસ્થાનથી જોડાયેલા
મુંબઈ: મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની પોલીસ અને લશ્કરી દળના સંયુક્ત ઉપક્રમે એક એવા શખસની ધરપકડ કરવામાં આવી છે જેની પાસે ૪૦ કૉમ્બેટ યુનિફોર્મ (લશ્કરી દળનો યુનિફોર્મ) મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે શખસ દિલ્હી અને રાજસ્થાનમાં કોઇની સાથે સંકળાયેલો છે. પોલીસ અને લશ્કરી દળની ટીમ હવે તે યુનિફોર્મના ખરીદદાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસને મોટી સફળતા મળી છે. બન્નેની ટીમે અહેમદનગર જિલ્લામાં લશ્કરી દળના નવા કૉમ્બેટ યુનિફોર્મ સાથે યુવકની ધરપકડ કરી છે. તે શખસ કારમાં આ યુનિફોર્મ લઇને આવ્યો હતો. આ યુનિફોર્મના ખરીદદાર કોણ છે અને તેની પાછળ તેમનો ઇરાદો શું છે એ જાણવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે.
તપાસ એજન્સીને શંકા છે કે આ યુનિફોર્મ દ્વારા લશ્કરી દળની છાવણીઓને લક્ષ્ય બનાવવાની યોજના પણ હોઇ શકે છે. આરોપીને પોલીસે તાબામાં લઇને પૂછપરછ શરૂ કરી છે. આરોપીની ઓળખ નાસિકના સુરેશ ખત્રી રીતે કરવામાં આવી છે. સુરેશ નાસિકમાં દેવલાલી કૅમ્પ વિસ્તારમાં રહે છે. અહેમદનગરની ભિંગાર કેમ્પ પોલીસે સુરેશ સામે કેસ નોંધીને તેની પૂછપરછ શરૂ કરી છે.
દેવલાલી કેમ્પ લશ્કરી દળનું નાસિકમાં એક મોટું બેઝ છે. આ વિસ્તારમાં રહીને આરોપીએ કેવી રીતે લશ્કરી દળના અંદરના લિંક્સ સ્થાપિત કરીને યુનિફોર્મની પેટર્ન મેળવી એ અંગે પણ તપાસ ચાલી રહી છે.
શું છે સંપૂર્ણ મામલો?
હકીકતમાં મિલિટરી ઇન્ટેલિજન્સને ગુપ્ત માહિતી મળી હતી કે અહેમદનગર જિલ્લાના ભિંગાર વિસ્તારમાં એક શખસ મોટા પ્રમાણમાં સેનાના યુનિફોર્મ લઇને આવવાનો છે. આ માહિતી મળ્યા બાદ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. પોલીસ અને લશ્કરી દળની સ્પેશિયલ ટીમ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરાઇ. એ દરમિયાન એક ગાડીમાં સુરેશ ૪૦ યુનિફોર્મ સાથે મળી આવ્યો હતો.
સુરેશના તાર દિલ્હી અને રાજસ્થાનથી જોડાયેલા છે. ચિંતાજનક વાત એ છે કે દિલ્હી દેશની રાજધાની છે, જ્યારે રાજસ્થાન પાકિસ્તાની સીમા સાથે જોડાયેલું છે. ત્યાં લશ્કરી દળના યુનિફોર્મ દ્વારા કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ઘટના બની શકે છે.