Nashik Accident: નાસિક પાસે કાર અને કંટેનર વચ્ચે અકસ્માત: ધુળેના નગરસેવક સહિત ચારના મોત
નાસિક: નાસિકના ચાંદવડ પાસે કાર અને કંટેનર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોમાં ધુળેના નગરસેવકનો પણ સમાવેશ છે. ચાંદવડ પાસે નમોકાર તિર્થ ક્ષેત્રની સામે મુંબઇ-આગ્રા હાઇવે પર આ ભીષણ અકસ્માત થયો છે. તમામ મૃત મુસાફરો ધુળેના હોવાની વિગતો જાણવા મળી છે.
નાસિક સહિત આખા જિલ્લામાં અવાર નવાર અકસ્માતના સમાચારો જાણવા મળે છે જેમા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે હવે નાસિકથી વધુ એક અકસ્માતના સમાચાર આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાસિક જિલ્લાના ચાંદવડ પાસે કાર અને કંટેનર વચ્ચે અકસ્માત થયો છે.
નમોકાર તીર્થ ક્ષેત્ર સામે આવેલ મુંબઇ-આગ્રા હાઇવે પર આ અકસ્માત થયો છે. કાર અને કંટેનર સામ સામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કારમાં મુસાફરી કરી રહેલ ચારે મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. મૃત્યુ પામનાર તમામ મુસાફરો ધુળેના છે જેમાં ધુળેના જ નગરસેવક કિરણ આહિરરાવનું પણ મૃત્યુ થતાં રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઇ છે.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ ધુળેમાં રહેતાં ચાર મુસાફરો નાસિકથી ધુળે તરફ જઇ રહ્યાં હતાં. દરમીયાન સવારે સાત વાગ્યાની આસપાસ તેમની ગાડી ચાંદવડ પાસેથી પસાર થઇ રહી હતી. જ્યાં નમોકાર તિર્થ પાસે કાર અને કનંટેનર સામ સામે અથડાયા હતાં. જેમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં.
મૃતકોમાં ધુળેના નગરસેવક કિરણ આહિરરાવનો પણ સમાવેશ છે જોકે અન્ય ત્રણની ઓળખ હજી સુધી થઇ શકી નથી. અક્સમાતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. મૃતકોમાં હજી ત્રણ લોકોની ઓળખ થઇ શકી ન હોવાથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.