ચંદ્રયાન-થ્રીને મળેલી સફળતા બદલ નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરોની કરી પ્રશંસા
મુંબઈ: ભારતની મુલાકાતે આવેલા નેશનલ એરોનોકટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન આજે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ ખાતે આવેલા નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના ચંદ્રયાન મિશનને મળેલી અભૂતપૂર્વ સફળતા બદલ ઈસરો-ભારતને અભિનંદન આપ્યા હતા.
ચંદ્ર પર ઈસરોના ચંદ્રયાન-થ્રીનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ રહ્યું હતું. અભિનંદન એ માટે ખાસ કરીને કારણ કે અગાઉ ત્યાં કોઈ પહોંચી શક્યું નહોતું, ત્યાં ઇસરોને સફળતા મળી હતી, જે નોંધનીય બાબત છે. મુંબઈ ખાતેની મુલાકાતમાં તેમણે રાકેશ શર્માને મળવા અંગે ખુશી વ્યક્ત કરી હતી, જ્યારે તેમણે દુનિયાને ગૌરવ અપાવ્યા અંગે નોંધ લીધી હતી. દરમિયાન ભારતના વૈજ્ઞાનિક, એસ્ટ્રોનેટના અનુભવોને કારણે આ ક્ષેત્રે અમેરિકા ભારત ભાગીદારી કરશે, એમ તેમણે ભારત સાથેના જોડાણ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું.
યુએસ કોન્સ્યુલેટની વિઝિટ સાથે નેલ્સન આઈઆઈટી બોમ્બેની મુલાકાત પણ લીધી હતી. આઈઆઈટીના વિદ્યાર્થી સાથે યુએસ ઈન્ડિયા કો-ઓપરેશન ઈન સ્પેસ રિસર્ચ એન્ડ ઈનોવેશન એન્ડ એવેન્યુસ અંગે પણ ચર્ચા કરી હતી. ભારતની મુલાકાતે આવેલા નાસાના પ્રમુખ બિલ નેલ્સને ઈસરોમાં વિદ્યાર્થી અને સ્પેસમાં ઉડાન ભરનારા ભારતીય એસ્ટ્રોનોટ રાકેશ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી.