આમચી મુંબઈ

નારીશક્તિઃ બેંકમાં જમા આટલી રકમ છે મહિલાઓના નામે, સ્ટાર્ટ અપ્સમાં પણ અવ્વલ

મુંબઈઃ આર્થિક રીતે પગભગ મહિલાઓ સશક્ત સમાજની ઓળખ છે. પોતાના પગ પર ઊભેલી સ્ત્રી પોતાને અને પરિવારને તારે છે. એવા હજારો પરિવાર છે જેની આર્થિક જવાબદારી ઘરની મહિલા ઉપાડે છે. આ સાથે તે ઘર-પરિવારની જવાબદારીઓ પણ નિભાવી રહી છે. મહિલાઓની આર્તિક સદ્ધરતાની સાક્ષી પૂરતા અમુક આંકડા પ્રકાશમાં આવ્યા છે. ( Ministry of Statistics and Programme Implementation)

દેશના કુલ ખાતાઓમાંથી 40 ટકા મહિલાઓના નામે

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા એક સકારાત્મક ચિત્ર ઉપસાવી રહ્યા છે. ઝીરો બેલેન્સથી બેંકમાં ખાતા ખૂલવાના શરૂ થયા ત્યારથી દેશના કરોડો લોકો દેશની આર્થિક ધારામાં જોડાયા છે, જેમાં મહિલાઓ પણ છે. ભારતમાં કુલ બેંક ખાતામાંથી 39.2 ટકા બેંક ખાતા મહિલાઓના નામે છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના નામે બેંક ખાતા વધુ છે. અહીં 42.2 ટકા બેંક ખાતા મહિલાઓના નામે છે. આ આંકડાઓ પૂરવાર કરે છે કે ભારતની બેંકોમાં જમા નાણાંમાં મહિલાઓનું યોગદાન 39.7 ટકા છે. એટલે કે, ભારતમાં બેંકોમાં જમા કરાયેલા તમામ નાણાંમાંથી લગભગ 40 ટકા મહિલાઓના નામે છે.

બેંક નહીં ડિમેટ ખાતાઓ પણ ધડાધડ ખુલી રહ્યા છે

એક સમયે એકલદોકલ મહિલાઓ શેર માર્કેટમાં રસ લેતી અને પોતાના અકાઉન્ટ હોય તેવી મહિલાઓ તો ઘણી ઓછી હશે. છેલ્લા અમુક વર્ષોથી શેર માર્કેટમાં રોકાણ ખૂબ જ વધી ગયું છે અને તેમાં મધ્યમવર્ગીય મહિલાઓ પણ જોડાઈ રહી છે.

શેરબજારમાં મહિલાઓની વધતી ભાગીદારી પર પણ પ્રકાશ પાડે છે. રિપોર્ટ અનુસાર મહિલાઓના નામે ખોલવામાં આવેલા ડીમેટ ખાતામાં નોંધપાત્ર વધારો થયો છે. 31 માર્ચ, 2021 થી 30 નવેમ્બર, 2024 સુધીમાં દેશમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા 33.26 મિલિયનથી વધીને 143.02 મિલિયન થઈ છે. આનો અર્થ એ થયો કે સાડા ત્રણ વર્ષમાં ડીમેટ ખાતામાં ચારગણો વધારો નોંધાયો છે. જોકે પુરુષોના પ્રમાણમાં મહિલાઓના ખાતા ઓછા છે, પરંતું નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર પુરુષ ડીમેટ ખાતાની સંખ્યા 2021માં 2.65 કરોડથી વધીને 2024માં 11.53 કરોડ થઈ ગઈ છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન મહિલા ડીમેટ ખાતાઓની સંખ્યા 66 લાખથી વધીને 2.7 કરોડ થઈ ગઈ છે.

સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ ડંકો વગાડી રહી છે

એક સમયે શિક્ષક કે બેંકની સલામતી માનવામાં આવતી નોકરી કરતી મહિલાઓ હવે પોતાની કંપનીઓ ખોલી રહી છે અને તેને સફળતાપૂર્વક ચલાવી પણ રહી છે. DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત એવા સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો થયો છે. મહિલાઓ પણ ઉદ્યોગોમાં ઝંપલાવી રહી છે. સાહસિકતા બતાવી રહી છે. દેશમાં નવા સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ નિર્ણાયક હોદ્દા પર આવી રહી છે. આવા સ્ટાર્ટઅપ્સની કુલ સંખ્યા 2017 માં 1,943 થી વધીને 2024 માં 17,405 થઈ ગઈ છે.
આ સાથે વર્ષ 2021-22માં મહિલાઓની માલિકીના ઉત્પાદન એકમો 54 ટકા હતા. જે 2023-24માં વધીને 58 ટકા થઈ ગયો. વેપારમાં આ આંકડો 12 ટકાથી વધીને 14 ટકા પર પહોંચ્યો છે.

એ વાત ખરી કે એક તરફ હજુ પણ સામાજિક રીતે મહિલાઓ ભેદભાવનો સામનો કરી રહી છે, પરંતુ બીજી તરફ શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા તરફ તેનું આ ઉડાન આશાનું કિરણ બની રહી છે. માત્ર શહેરી નહીં ગ્રામિણ વિસ્તારોમાં પણ મહિલાઓની પ્રગતિ દેશના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે.

આ પણ વાંચો: કચ્છના બે મિત્રો સાથે પાર્ટી કરીને પાછા ફરતાં અકસ્માતઃ ત્રણેય જણ જખમી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button